Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્‍તારોમાં ફરીથી તીડના ઝુંડો દેખાતા ખેડૂતોમાં ચિંતા મળ્યાં

બનાસકાંઠા :ગુજરાના સરહદી વિસ્તારમાં તીડનો આતંક નાબૂદ થવાનું નામ જ નથી લેતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરીથી તીડોના ધામા જોવા મળ્યા છે. વાવના કુંડાળીયા, રાધાનેસડા અને બોર્ડર વિસ્તારમાં તીડોના ઝુંડો ફરી રહ્યાં છે, જેને કારણે ઉભા પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે. કુંડાળીયામાં ખેડૂતોએ ટ્રેકટર ઉપર ડ્રમ લગાવી જાતે તીડો ઉપર દવાનો છંટકાવ શરૂ કર્યો છે. તો કેન્દ્ર અને રાજ્યસરકારની તીડ નિયંત્રણની ટીમો હાલ તીડગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી છે. તો બીજી તરફ, જલ્દીથી તીડોની નાશ કરાય તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનને અડીને આવેલા નડાબેટના ઝીરો પોઇન્ટ ઉપર ફરીથી તીડનું ઝુંડ દેખાતા જિલ્લાના ખેડૂતો ભયભીત બન્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં 17 દિવસ સુધી તીડોએ આતંક મચાવી 13 તાલુકાઓના 114 જેટલા ગામડાઓમાં તરખાટ મચાવ્યો હતો. ખેડૂતોના ખેતરમાં ઉભેલો એરંડા, દાડમ, જીરું, રાયડા તેમજ અન્ય રવિ પાકનો સફાયો બોલાવ્યો હતો. જેમાં તીડોએ 5842 ખેડૂતોની 12,109 હેક્ટર જમીનમાં નુકશાન કર્યું હતું. આ દિવસોમાં તીડનો નાશ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની 117 ટીમોએ દવાનો છંટકાવ કરીને તીડોનો નાશ કર્યો હતો. જોકે હજુ સુધી ખેડૂતોને નુકશાનીનું વળતર મળ્યું નથી. ત્યારે ફરીથી તીડ આવી ગયા છે. પાલનપુર તાલુકાના વસણા ગામના ખેડૂતો સરકાર પાસે અપેક્ષા કરી રહ્યા છે કે, સરકાર કોઈપણ રીતે તીડનું નિયંત્રણ કરે જેના કારણે તીડ જિલ્લામાં પ્રવેશે નહિ અને ખેડૂતો પાયમાલ થતા બચી શકે

(4:28 pm IST)