Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ગુજરાતી કલાકાર જીજ્ઞેશ કવિરાજના નામે ખોટુ ફેસબુક એકાઉન્ટ બનાવીને તસવીરો મુકનાર અને દાગીના પડાવનાર ઝડપાયો

અમદાવાદ :ખ્યાતનામ ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજ દ્વારા સાયબર ક્રાઇમમાં અરજી કરવામાં આવી છે. તેનાં નામનું ખોટુ ફેસબુક એકાઉન્ટ કોઇ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જીગ્નેશે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કરેલી ફરિયાદ અનુસાર ફેસબુકમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા તેનાં નામનું એકાઉન્ટ બનાવીને તેની તસ્વીરો મૂકવામાં આવી હતી. ત્યારે પોલીસે પ્રકાશ નામના આરોપીને પકડી પાડ્યો છે.

અમદાવાદ પોલીસે પ્રકાશ નામના આરોપીની આ સમગ્ર મામલામાં ધરપકડ કરી છે. પ્રકાશ નામનો શખ્સ ફેસબુક પર જિગ્નેશ કવિરાજના એકાઉન્ટ પરથી મહિલાઓ સાથે સંપર્ક કરી દાગીના પડાવતો હતો. તે જન્મદિવસની ગિફ્ટ માંગી દાગીના પડાવતો હતો. તે પોતે ‘જીગ્નેશ ભાઈએ મોકલ્યો છે...’ એમ કરીને ગિફ્ટ લેવા જતો હતો. આ ઉપરાંત આ વ્યક્તિ તેનાં ફેન્સ સાથે વાતચીત પણ કરતો હોવાનું સામે આવ્યું છે. તેના ચાહકોની સાથે પણ જીગ્નેશ કવિરાજ તરીકે વાતચીત કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપી જીગ્નેશ કવિરાજ સાથે જ ફરતો હતો. આરોપીએ અગાઉ જીગ્નેશ કવિરાજના અનેક પ્રોગ્રામ પણ કરાવ્યા છે. ત્યારે કવિરાજ જીગ્નેશની ફરિયાદ બાદ તાત્કાલિક આજે ધરપકડ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી પ્રકાશના ભાઈના આજે લગ્ન છે, ત્યારે એ જ દિવસે પોલીસે તેની ધરપકડ કરી છે.

મારા તમામ ફેક એકાઉન્ટથી દૂર રહો

પોતાની ફરિયાદ વિશે કવિરાજ જીગ્નેશે ઝી 24 કલાકને જણાવ્યું કે, મારું ફેક સોશ્યલ મીડિયા એકાઉન્ટ બનાવીને વાતો કરાઈ રહી હતી. એ શખ્સ યુવતીઓ પાસે ગિફ્ટ અને ફોટો મંગાવતો હતો. ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને યુવતીઓને વીડિયો અને ફિલ્મોમાં કામ કરવાની ઓફર આપવામાં આવતી હતી. યુવતીઓ પાસે અશોભનીય ફોટો પણ મંગવવામાં આવતો હતો. મેં સાઇબર સેલમાં ફરિયાદ કરી હતી. આરોપી યુવક પ્રકાશ મારો પ્રશંસક છે, જે 2 થી 3 વર્ષથી આવી કરતૂત કરતો હોવાની આશંકા છે. આ પહેલા પણ મારા નામે આ પ્રકારના વ્યવહાર થઈ ચૂક્યા છે. જે યુવક છે એ મારો ચાહક છે અને મારી સાથે ઘણા ફોટો લીધેલા છે. મારા તમામ ફેક એકાઉન્ટથી દૂર રહો. હવે મારા સોશ્યલ મીડિયા એકાઉન્ટ જીગ્નેશ બારોટના નામથી મળશે. જીગ્નેશ કવિરાજ નામના એકાઉન્ટ બદલવામાં આવ્યું છે.

(4:27 pm IST)