Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

રાજપીપળા ખાતેની જીલ્લાની કોવીડ-૧૯ હોસ્પીટલમા દર્દીઓની સારવાર માટે ૧ કરોડ ૪૦ લાખ કરતાં વધુની રકમ ખર્ચાઇ

આરટીઆઈ હેઠળ અત્યારસુધી આ હોસ્પિટલમાં કુલ-૨૩ના મૃત્યુ થયાનો સાચો આંકડો મળ્યા બાદ પણ કોવિડના રોજિંદા રિપોર્ટમાં હજુ મૃત્યુ આંક 3 જ લખાઈ છે જે ખુબજ આશ્ચર્યજનક વાત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના વડિયા પેલેસ ખાતેની આયુર્વેદિક હોસ્પીટલના બિલ્ડીંગમા કાર્યરત કોવીડ-૧૯ હોસ્પીટલમા કોરોનાના દર્દીઓની સારવાર પાછળ ગુજરાત સરકાર એક કરોડ કરતાં વધુ નાંણા ખર્ચી ચુકી છે.એવી માહિતી એક જાગૃત નાગરિક ઈકરામ મલેક દ્વારા આરટીઆઈ હેઠળ માંગવામાં આવતાં જાણવા મળી છે.
     માર્ચ ૨૦૧૯થી નર્મદા જીલ્લામા કોરોનાનો પ્રવેશ થયો એ પહેલાં રાજપીપળા સિવિલ હોસ્પિટલમા કોરોના વોર્ડ શરૂ કરવામા આવ્યો હતો,ત્યારબાદ વડીયા પેલેસ કંપાઉન્ડમા આવેલી નવનિર્મિત બિલ્ડીંગમા શીફ્ટ કરાઈ હતી. સાફ સફાઈ અને સારવારમા રેઢીયાળપણાને કારણે અનેક વખત વિવાદમા આવેલી કોવીડ આઈસોલેશન હોસ્પીટલ પાસે મૃત દર્દીઓને લઈ જવા માટે શબવાહિની સુદ્ધાં ઉપલબ્ધ ન હતી, અને મૃતકનો પરિવાર જ્યારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરે તેવા સંજોગોમા સરકારી રાહે અંતિમ સંસ્કાર કરવાની પણ કોઈ વ્યવસ્થાના ઠેકાણા ન હતા.
     અંતરીયાળ ગામડાઓમાથી લાવવામા આવતાં દર્દીઓના સગાંને ક્યાં રાખવા એની પણ કોઈજ વ્યવસ્થા ઉપલબ્ધ નથી, સરકાર જેમના માટે કરોડો રુપિયાની ગ્રાન્ટ ફાળવે છે અને જે એના કેન્દ્રમા છે તેવા દર્દીઓ અને તેમના સગાઓ દ્વારા અપુરતી અને સમયસર સારવારની ઉણપોના આક્ષેપો થતાં રહ્યાં છે એ એક સત્ય હકીકત છે, શાથે એ પણ એટલુ જ સાચું છે કે રોગ નવો હોવાથી તેની સારવારની પદ્ધતિ અને એની કોઈ દવાની શોધ ન થઈ હોવાના કારણે મર્યાદિત શક્તિથી ડોક્ટરો કામ લેતાં હોયને એમના માટે પણ પડકારરૂપ કાર્ય બની ગયું હતું.

ગંભીર રીતે કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અત્યંત જરૂરી એવા એલીમેન્ટ “વેન્ટીલેટર” ની વાત કરીએ તો આર.ટી.આઈ મા મળેલ માહિતી પ્રમાણે કુલ ૩૦ જેટલાં વેન્ટીલેટર હોસ્પીટલમા ઉપલબ્ધ છે,

 આજદીન સુધી ૫ જેટલાં દર્દીઓને વેન્ટીલેટરનુ સપોર્ટ આપવામા આવ્યું એમ ડોકટર તરફથી જાણવા મળ્યું છે.તો આ કરોડોનો ખર્ચ કોઈ કામનો ખરો..?તેવી ભારે વાતો ઘણા સમય થી જિલ્લામાં સંભળાઈ રહી હોવા છતાં કોઈના પેટનું પાણી ક્યારેય હાલતું જોવા મળ્યું નથી. આરટીઆઈ હેઠળ અત્યારસુધી આ હોસ્પિટલમાં કુલ-૨૩ ના મૃત્યુ થયા નો સાચો આંકડો મળ્યા બાદ પણ કોવિડ ના રોજિંદા રિપોર્ટ માં હજુ મૃત્યુ આંક 03 જ લખાઈ છે જે ખુબજ આશ્ચર્યજનક બાબત છે.

(11:04 pm IST)