Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

રાજ્યમાં સ્થાનિક ચૂંટણીની પહેલા રિટલ એસ્ટેસ્ટને મળશે બુસ્ટર ડોઝ : સ્ટેમ્પડ્યુટીમાં મોટો ઘટાડો થવાની શકયતા

રાજ્યના બિલ્ડર એસો,એ પણ માંગણી કરી છે, : મહારષ્ટ્રમાં 2 ટકા ડ્યૂટીનો જીઆર પણ બહાર પડ્યો છે

અમદાવાદ : કોરોનાની મહામારી વચ્ચે રિયલ એસ્ટેટ પડી ભાંગ્યું છે. રાજ્યના બિલ્ડર્સ એસોસિયેશને આ સમયમાં સરકાર પાસે વિવિધ માગણીઓ કરી આ સેક્ટરને ઉપર લાવવાની વિનંતી કરી છે, જેનો સ્વિકાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર પ્રોપર્ટી પર લાગતી સ્ટેમ્પડ્યુટીના દરોમાં મોટો ઘટાડો કરી પ્રોપર્ટી સસ્તી કરી શકે છે.

શહેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે સરકાર સ્ટેમ્પડ્યુટીમાં મોટો ઘટાડો કરે તેવી સંભાવના છે. આ અંગેની કાર્યવાહી ચાલી રહી છે. વિભાગના અન્ય અધિકારીઓ સાથે હાલ મંત્રણા ચાલી રહી છે અને ટૂંકસમયમાં તેનો નિર્ણય લેવામાં આવશે.

રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ પાલિકા અને મહાનગરોની ચૂંટણી આવી રહી છે ત્યારે રિયલ એસ્ટેટને બુસ્ટ આપવા માટે તેમજ ખરીદનારા વર્ગને રાહત આપવા માટે સરકાર સ્ટેમ્પ ડ્યુટીના દરોમાં ઘટાડો કરે તેવી સંભાવના છે.

મહારાષ્ટ્ર સરકારે તો મિલકત પરની સ્ટેમ્પ ડયૂટી ઘટાડીને 31મી ડિસેમ્બર 2020 સુધીમાં મિલકત ખરીદે તો 2 ટકા જ સ્ટેમ્પ ડયૂટી અને 31મી માર્ચ 2021 સુધીમાં મિલકત ખરીદે તો 3 ટકા જ સ્ટેમ્પ ડયૂટી લેવાની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્ર સરકારે પણ આ અંગેના જીઆર બહાર પાડી દીધા છે. તેને પરિણામે ક્રેડાઈ અને ગાહેડના સ્થાનિક હોદ્દેદારોએ પણ ગુજરાતમાં સ્ટેમ્પ ડયૂટીમાં ઘટાડો કરવાની માગણી કરી હતી.

ગુજરાતમાં આજે 4.90 ટકા સ્ટેમ્પ ડયૂટી અને 1 ટકા નોંધણી ફી મળીને 5.90 ટકા ડયૂટી વસૂલવામાં આવે છે. માત્ર મહિલા મિલકત ખરીદે તો તેને 1 ટકા નોંધણી ફીમાંથી માફી આપવામાં આવેલી છે. સરકાર સ્ટેમ્પડ્યુટીમાં 50 ટકા ઘટાડો કરે તેમ મનાય છે જો કે તે ઘટાડો છ મહિના સુધીનો હોઇ શકે છે

(11:45 am IST)