Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

ઉત્તર પૂર્વીય પવનોને લીધે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું

દિવસે ગરમી, રાત્રે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ : નલિયાનું લઘુત્તમ તાપમાન ઘટીને આઠ ડીગ્રી પર પહોંચી ગયું : અમદાવાદ શહેરમાં ૧૬.૨ ડીગ્રી, હજુ ઠંડી વધશે

અમદાવાદ, તા. ૧૬ : ઠંડી તેના મધ્ય તબક્કામાં પહોંચી છે પરંતુ હજુ જોરદાર ઠંડીનો ચમકારો વર્તાયો નથી. ત્યારે રાજ્યતમાં છેલ્લા ઘણા સમયથી દિવસે સામાન્ય ગરમી જ્યારે રાત્રે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. બીજી તરફ બે દિવસથી ઉત્તર પૂર્વિય પવનને કારણે ઠંડીમાં ફરી વધારો થયો છે. આજે નલિયાનું લઘુતમ તાપમાન ઘટી ૮ ડિગ્રી પહોંચી જતા નલિયાવાસીઓ ઠુંઠવાઇ ગયા હતા. આ ઉપરાંત અમદાવાદનું લઘુતમ તાપમાન ઘટી ૧૬.૨ ડિગ્રીએ પહોંચી જતા વહેલી પરોઢે જોરદાર ઠંડી વર્તાઇ હતી. ત્યારે આગામી દિવસોમાં હજુ ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગ સેવી રહ્યું છે.

સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઉત્તર પૂર્વય પવન ફૂંકાતા દિવસ અને રાત્રીનું તાપમાન સતત ઘટી રહ્યું છે જેના કારણે ઠંડી વધી હતી. વહેલી પરોઢથી જ સમગ્ર રાજ્યમાં ફૂંકાયેલા ઠંડા અને સુકા પવનને કારણે મોડી રાત્રીથી વહેલી પરોઢ સુધી કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. ત્યારે ગુજરાતમાં ત્રણ દિવસ દરમિયાન ખાસ કરીને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારામાં જોરદાર ઠંડી પડે તેવી શક્યતાઓ છે અને કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાનનો પારો ૫ ડિગ્રીની નીચે સરકી જાય તેવી પણ વકી છે.  જ્યારે આગામી ૨૪ કલાક દરમિયાન અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીની આસ-પાસ રહેશે. આજે રાજ્યના વિવિધ શહેરના લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીની આસ-પાસ રહેતા મોડી રાત્રીથી વહેલી પરોઢ સુધી ફુલગુલાબી ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો. આજે અમદાવાદ ૧૬.૨, ડીસા ૧૨.૬ , વડોદરા ૧૬.૪, પોરબંદર ૧૩,  નલિયા ૮ , સુરત ૧૭.૨, વલસાડ ૧૩, રાજકોટ ૧૦.૪, ભૂજ ૧૦.૪ ડિ.સે., ભાવનગર ૧૫, ગાંધીનગર ૧૫,  અને કંડલા એરપોર્ટ પર લઘુત્તમ તાપમાનનો પારો ૧૨.૩ ડિગ્રી પર સ્થિર રહ્યું હતું.

(9:07 pm IST)