Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

મોંઘવારીના મારથી જનતા ત્રાહિમામ : ડુંગળી,દૂધ બાદ શાકભાજી અને તેલ સહિતની વસ્તુઓના ઊંચકાતાં ખાઉં શું ? : મુંજવતો પ્રશ્ન

અમદાવાદ : મોંઘવારીના મારથી સામાન્ય જનતા પરેશાન થઇ ઉઠી છે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા બાદ શાકભાજી અને તેલ સહિતની ચીજ વસ્તુઓ પણ મોંઘી બનતા ગૃહણીઓના બજેટ ખોરવાયા છે સાથે ખાઉં શું એ બાબતે મૂંઝવણમાં મુકાયા છે

ડુંગળીએ રડાવ્યા બાદ દૂધના ભાવમાં વધારો થયા બાદ હવે સિંગ તેલ અને બટાકાના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓથી લઇને વેપારીઓમાં ચિંતામાં મુકાયા છે  અમદાવાદ શહેરમાં બટાકાના ભાવ 28થી 30 થઇ ગયો છે. વેપારીઓનું કહેવું છે કે આ વખતે કમોસમી વરસાદ અને અન્ય રાજ્યમાંથી બટાકા આવક ઓછી થઇ છે જેની સીધી અસર ભાવ પડી રહી છે.

  વેપારીઓનું કહેવું છે કે 'પહેલા જે ગ્રાહકો પાંચ પાંચ કિલો બટાકા લઇ જતા હતાં તે હવે એક બે કિલો લઇને સંતોષ માને છે'

  હાલની શાકમાર્કેટની સ્થિતિ મુજબ ડુંગળીનાં ભાવ 100 રૂપિયે પહોંચ્યો છે. જ્યારે શાક જોડે મળતી કોથમીર પણ 120 રૂપિયે કિલો છે. લસણનું તો નામ નથી લેવાતું, કારણ કે તેના ભાવ 240 રૂપિયે કિલો પહોંચી ગયા છે, સાથે મરચાંનાં ભાવ પણ 70 રૂપિયા પહોંચી ગયો છે.

  બીજીતરફ છેલ્લા 13 દિવસમાં સિંગ તેલના એક ડબ્બા દીઠ 80 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મગફળીનું ઉત્પાદન વધુ થયુ હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે 15 કિલોના ડબ્બાનો નવો ભાવ 1,850 પર પહોંચ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ આવેલા એક રિપોર્ટમાં શાકભાજી-કઠોળ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના જથ્થાબંધ ભાવમાં કમરતોડ વધારો નોંધાયો છે. ગત સપ્તાહે ગ્રાહક ભાવાંકની રીતે રિટેલ ઇન્ફ્લેશન ત્રણ વર્ષની ઊંચી સપાટીએ આવ્યો છે. જ્યારે ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર 0.16 ટકા હતો.

(7:07 pm IST)