Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી ઉતરસંડામાં બે જૂથો વચ્ચે બબાલ

નડિયાદ: તાલુકાના ઉતરસંડામાં અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી બે જૂથો વચ્ચે ગતરોજ બબાલ થઈ હતી. સામાન્ય પ્રશ્ને થયેલ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષો લોખંડની પાઈપો તેમજ ડંડા લઈ સામસામે આવી ગયાં હતાં. જેમાં બંને પક્ષોના મળી કુલ પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. અંગે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કુલ આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરસંડા ગામમાં આવેલ દૂધની ડેરી નજીક આવેલ એક દુકાનના પાટીયા પર ગતરોજ સાંજના સમયે ગામમાં રહેતાં નિલેશભાઈ રાવજીભાઈ પટેલ, પ્રશાંતભાઈ દિનેશભાઈ પટેલ, પ્રિતેશભાઈ દિનેશભાઈ પટેલ અને પ્રજ્ઞેશભાઈ નટવરભાઈ પટેલ બેઠાં હતાં. તે વખતે ગામમાં રહેતાં અશોકભાઈ દેસાઈભાઈ પરમાર, નીતીરાજ અશોકભાઈ પરમાર, સુરેશ ઉર્ફે ખન્નો અને વિનુ ડોકટરનો પુત્ર એકાએક ત્યાં આવી પહોંચ્યાં હતાં. અને અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી ગમેતેમ બોલવા લાગ્યાં હતાં. તેમજ તમને પાટીદારોને બહુ ચરબી ચઢી છે તેમ કહી ઝઘડો કર્યો હતો. નજીવી બાબતે થયેલ ઝઘડામાં બંને જૂથો લોખંડની પાઈપો તેમજ લાકડાના ડંડા લઈ આમને સામને આવી ગયાં હતાં. અને જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. હુમલામાં બંને પક્ષોના નિલેશભાઈ રાવજીભાઈ પટેલ, પ્રશાંતભાઈ દિનેશભાઈ પટેલ, પ્રિતેશભાઈ દિનેશભાઈ પટેલ તેમજ અશોકભાઈ દેસાઈભાઈ પરમાર અને નિતીરાજ અશોકભાઈ પરમારને ઈજા પહોંચી હતી. બનાવ અંગે ચકલાસી પોલીસે નિલેશભાઈ રાવજીભાઈ પટેલની ફરિયાદને આધારે અશોકભાઈ દેસાઈભાઈ પરમાર, નીતીરાજ અશોકભાઈ પરમાર, સુરેશ ઉર્ફે ખન્નો અને વિનુ ડોકટરના પુત્ર સામે જ્યારે નીતીરાજ અશોકભાઈ પરમારની ફરિયાદને આધારે નિલેશભાઈ રાવજીભાઈ પટેલ, પ્રિતેશ ઉર્ફે દાસ બાબુભાઈ પટેલ, પ્રશાંત બાબુભાઈ પટેલ અને ટીનો ખોખર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:31 pm IST)