Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

રાજય સરકારે કિન્નાખોરી રાખતા હું લક્ષચંડી મહાયજ્ઞમાં નહિ જોડાઇ શકું: મારી પત્ની મારા નામનો 'શુભ અને ધાર્મિક' કુંભ લઇને યજ્ઞમાં યજમાન બનશેઃ હાર્દિક પટેલ

રાજકોટ, તા., ૧૭: પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે જણાવ્યું છે કે પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમીયા માતાજી ઉંઝા સંસ્થા દ્વારા તા.૧૮ થી રર દરમિયાન ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ લક્ષચંડી યજ્ઞમાં સમગ્ર ભારતમાંથી માં ઉમીયાના ભાવી ભકતો ઉપસ્થિત રહેવાના છે.

આ લક્ષચંડી મહાયજ્ઞમાં હાર્દિક પટેલ પણ યજમાન તરીકે જોડાયા છે. ત્યારે હાર્દિક પટેલે જણાવ્યુ઼ છે કે રાજય સરકારની કિન્નાખોરીના કારણે છેલ્લા ૪ વર્ષથી મહેસાણા જીલ્લામાં મને પ્રવેશ મળતો ન હોવાથી આ મહાયજ્ઞમાં હું જોડાઇ શકુ઼ તેમ નથી અને મારી ધાર્મિક લાગણીઓને દુભાવવાનું કામ સરકાર કરી રહી છે.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે માતાજીના કામમાં ઘણા વિધ્નો આવે છે પરંતુ હું અને મારો પરીવાર હાર માનવાના નથી લક્ષચંડી મહાયજ્ઞના યજમાન બન્યા હોવાથી અમારે યજમાન તરીકે હાજર રહેવું ખુબ જ જરૂરી છે તેવા સંજોગોમાં મેં તથા મારા ધર્મપત્ની કિંજલ પટેલે નક્કી કર્યુ છે કે લક્ષચંડી યજ્ઞમાં મારા ધર્મપત્ની કિંજલ પટેલ મારા નામનો શુભ અને ધાર્મિક કુંભ લઇને મહાયજ્ઞમાં યજમાન બની રહેશે. મારી હાજરી શુભ અને ધાર્મિક કુંભ બનશે.

(1:07 pm IST)