Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

રાજપીપળામાં વિધાનસભાના દંડકની ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ગ્રામયાત્રાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ

નર્મદા જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ ૨૨ જેટલી બેઠકો ઉપર તા.૧૮ મીથી તા.૨૦ મી નવેમ્બર દરમિયાન આત્મનિર્ભર ગ્રામયાત્રા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નર્મદા જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ ૨૨ જેટલી બેઠકો ઉપર તા.૧૮ મી થી તા.૨૦ મી નવેમ્બર, ૨૦૨૧ દરમિયાન આત્મનિર્ભર ગ્રામયાત્રાનું જિલ્લા પ્રસાશન ધ્વારા સુચારૂં આયોજન ઘડી કઢાયું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં જુદા જુદા  સરકારી વિભાગોને સાંકળીને વિવિધ વિકાસકાર્યો ના લોકાર્પણ, ખાતમુહૂર્ત, લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોના વિતરણ માટેની આ ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ તા.૧૮ મી નવેમ્બર,૨૦૨૧ ના રોજ કરાશે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્ય મથકે સરદાર ટાઉન હોલ ખાતે ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં તા.૧૮ મી એ સવારે ૯:૩૦ કલાકે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે રાજ્યકક્ષાએ યોજાનારા મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીના આવાસનું લોકાર્પણ, ઇ-તક્તીના માધ્યમથી વિવિધ વિભાગોના વિકાસકામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તેમજ યોજનાકીય લાભોની સહાયના ચેકોનું વિતરણ કરાશે.

(10:29 pm IST)