Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

વડોદરામાં ડ્રસ્‍ગસના કારોબારમાં યુવતિઓની સંડોવણી ખુલ્લીઃ ગાંજો-ચરસ સાથે 2 યુવક અને યુવતિઓની ધરપકડ

કેફી પીણુ લઇ જનારા સામે કોલ ડિટેઇલના આધારે તપાસ કરાશે

વડોદરા: ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું હોવાની ચર્ચા વચ્ચે વડોદરા પોલીસે યુવાધનને બરબાદ કરતાં 4 યુવક યુવતીઓનાં એક ગ્રૂપને નાર્કોટિક્સનાં જથ્થા સાથે ઝડપી પાડ્યું છે. વડોદરાનાં આ ગ્રુપે વડોદરા ઉપરાંત વલ્લભ વિદ્યાનગરમાં સંખ્યાબંધ યુવક યુવતીઓને ડ્રગ્સ સપ્લાય કરી બરબાદીની રાહે ધકેલ્યાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ગુજરાતમાં આજકાલ ડ્રગ્સની બોલબાલા છે. પાછલાં કેટલાંક દિવસથી ગુજરાતનાં અલગ અલગ ભાગોમાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે અને આ સિલસિલો હજી યથાવત છે. વડોદરા પોલીસે શહેરનાં ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાંથી યુવાનોનાં એક એવાં ગ્રુપની ધરપકડ કરી છે, કે જેઓ છેલ્લાં ઘણાં સમયથી ડ્રગ્સની લત લગાડી યુવાધનને બરબાદ કરવાનાં ધંધામાં લાગ્યાં હતાં. ગુનાખોરી અટકાવવાની જવાબદારી સંભાળતી વડોદરા પોલીસની પીસીબી શાખાને મળેલી માહિતીને પગલે તેમની ટીમે ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં આવેલ જાણીતાં આવિષ્કાર કોમ્પ્લેક્ષમાં દરોડો પાડ્યો હતો. જ્યાં કોમ્પ્લેક્સનાં બેઝમેન્ટમાં સાકીબ અને મોહસીના મુન્સી નામનાં ભાઇ બહેન ચરસ તેમજ ગાંજો રાખી તે યુવાનોને વેચતા હતાં.

પોલીસે બંનેને ઝડપી લઇ વધુ પૂછપરછ અને તપાસ કરતાં બંને ભાઇ બહેન છેલ્લાં એક વર્ષથી નશાનો વેપલો કરતાં હોવાનું અને તે ચરસ અને ગાંજો આણંદનાં ચકલાસી ગામનાં દિલીપ કાકા પાસેથી લાવતાં હોવાનું સામે આવ્યું છે. વડોદરાનાં યુવાધનને બગાડવાનાં ધંધામાં લાગેલ આ બંને ભાઇ બહેન સાથે માંજલપુરનાં મિત ઠક્કર અને પાણીગેટ રોડ વિસ્તારની નૂપુર સહગલ પણ શામિલ હોવાનું ખુલતાં પોલીસે ચારેય યુવક યુવતીઓની ધરપકડ કરી છે.

મહત્ત્વની વાત એ છે કે, વડોદરામાં નશાનો કારોબાર કરતાં આ ચારેય યુવક યુવતીઓ ઉચ્ચ શિક્ષિત છે. તેમની પાસેથી અત્યાર સુધી વડોદરાનાં સંખ્યાબંધ યુવાનો ચરસ અને ગાંજાની પડીકીઓ લઇ ચુક્યા છે. દરરોજ આશરે 20 જેટલાં યુવક યુવતી અને આ ગ્રુપ પાસેથી નશાની પડીકીઓ લઇ જતાં હતાં. પોલીસે હવે તેમનાં મોબાઇલ વોટ્સપ ચેટ અને કોલ ડિટેઇલનાં આધારે તેમની પાસેથી ચરસ ગાંજો લઇ જનાર તમામ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. વડોદરામાં આ ગ્રુપનાં નશાનાં કારોબારનું નેટવર્ક ખૂબ મોટું હોવાનું પોલીસનું માનવું છે.

પોલીસે ઝાડપેલાં આરોપીઓ...

1 શકિબ સઈદ મુનશી,(અભ્યાસ-આઇટી મેનેજમેન્ટ) રહે. તાંદલજા,વડોદરા

2 મિત ઠક્કર,(અભ્યાસ,ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ) રહે. માંજલપુર વડોદરા

3 મોહસીના મુનશી,(અભ્યાસ,બીબીએ) રહે.તાંદલજા વડોદરા

4 નૂપુર સહગલ,(માસ્ટર ઇન પબ્લિક હેલ્થ) રહે.પાણીગેટ રોડ વડોદરા

પોલીસે કબજે કરેલ મુદ્દામાલ...

562.18 ગ્રામ ગાંજો,10.25 ગ્રામ ચરસ,ત્રણ એક્ટિવા રોકડ વગેરે

(4:34 pm IST)