Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

3 કર્મચારીઓના પીએફ ફંડમાં રોકડ રકમ ન ભરીને છેતરપીંડી કરનાર અનિલ સ્‍ટાર્ચના કરોડોના કૌભાંડી અમોલ શેઠની ટ્રાન્‍સફર વોરન્‍ટના આધારે ધરપકડ બાદ જેલહવાલે

2017માં શહેર કોટડા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ થઇ હતી

અમદાવાદ: 3 કર્મચારીઓના પીએફ ફંડમાં ન ભરી ઠગાઈ કરનાર અનિલ સ્ટાર્ચના કરોડોના કૌભાંડી અમોલ શેઠની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને મેટ્રોપોલિટન કોર્ટમાં રજુ કર્યો હતો. જ્યાં પોલીસે આરોપીના રિમાન્ડ ન માંગતા કોર્ટે તેને જેલમાં મોકલી આપ્યો હતો.

બાપુનગર વિસ્તારમાં આવેલી મેસર્સ અનિલ લી. (અનિલ સ્ટાર્ચ)માં કામ કરતા કર્મચારી નલેશ શાહ, રાહુલ કુશ્વાહ અને નિતીન પરમારના પીએફના 3523 રૂપિયા અમોલ શેઠે પીએફ ફંડમા જમા કરાવ્યા ન હતા. આ મામલો બહાર આવતા અધિકારી સ્મીતા મનોજભાઇ ગોપાલે 2 ઓગષ્ટ 2017ના રોજ શહેરકોટડા પોલીસ મથકમાં અમોલ શેઠ સામે વિશ્વાઘાતની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ આરોપીને પોલીસ શોધી શકી ન હતી.

આ દરમિયાન આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. જેની જાણ શહેરકોટડા પોલીસને થતા પોલીસે કોર્ટમાંથી આરોપીનું ટ્રાન્સફર વોરંટ મેળવ્યું હતું. ત્યાર બાદ ગઇકાલે તેની જેલમાંથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે આરોપીની હાજરી વગર તપાસ થઇ શકે તેમ હોવાથી તેના રિમાન્ડ માગ્યા ન હતા. જેથી કોર્ટે આરોપીને જેલમાં મોકલી આપવા આદેશ કર્યો હતો.

નોંધનીય છે કે, અમોલ શાહ સામે અમદાવાદ સહિતની જગ્યાએ 500થી વધુ ચેક રિટર્ન કેસની મેટરો પડતર છે. ત્યારે આરોપીની ધરપકડ બાદ તે કેસો પણ ચાલે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

(4:21 pm IST)