Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

અમેરિકાથી ડાર્ક વેબ મારફત ડ્રગ્સ મંગાવી અમદાવાદથી થતો નશાનો વેપલો : પોલીસ પણ સ્તબ્ધ

બે આરોપીઓની ધરપકડ : પોલીસે અમેરિકન હાઇબ્રીડ ગાંજો-ચરસ, લોકલ ચરસ, મેજિક મશરૂમ તથા શેટર જેવા નશાકારક ડ્રગ્સનો મુદ્દામાલ કબ્જે : યુએસમાં ઓનલાઈન ડ્રગ્સ ડીલરનો સંપર્ક કરી વિશેષ પ્લાસ્ટિક કાર્ગો મારફતે નશાનો કાળો કારોબાર થતો : ક્રિપ્ટો કરન્સી મારફત પેમેન્ટ

અમદાવાદ તા. ૧૭ : અમેરિકાથી ઓન લાઈન ડાર્ક વેબ મારફતે ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડીલર નો સંપર્ક કરીને હવાલા સિસ્ટમથી ક્રિપટો કરન્સી મારફતે પેમેન્ટનું ચુકવણી કરી ને બાય કાર્ગો એર કુરિયર થી પ્રતિબંધિત નશાકારક પદાર્થો મંગાવીને સમગ્ર રાજયમાં ગેરકાયદેસર વેચાણ કરતા બે આરોપીની ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી છે.

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ઓનલાઈન ડ્રગ્સ મંગાવી ને વેચાણ કરતા આનંદનગરના રહેવાસી વંદિત પટેલ અને વેજલપુરના પાર્થ શર્માની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસ એ અમેરિકન હાઇ બ્રીડ ગાંજો, અમેરિકન ચરસ, લોકલ ચરસ, મેજિક મશરૂમ તથા શેટર જેવા નશાકારક ડ્રગ્સ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી ઓનલાઈન ડ્રગ્સ મંગાવીને અમદાવાદ અને સુરત શહેરમાં વેચતો હતો. અને ડ્રગ્સ વેચવા માટે ખાસ કરીને કોલેજોના યુવાધન ને ટાર્ગેટ કરતો હતો. જેમનો સંપર્ક તે કેટલીક એપ્લિકેશન મારફતે કરતો હતો.

મુખ્ય આરોપી વંદિત પટેલ વર્ષ ૨૦૧૮માં અભ્યાસ અર્થે સિંગાપુર ગયો હતો. અને પોતે એજયુકેટેડ હોવાથી અને ઇન્ટરનેટ, ડાર્ક વેબ, ઇન્ટરનેશનલ ડ્રગ્સ ચેઇન, ક્રિપ્ટોકરન્સીનો જાણકાર હોવાથી ડાર્ક વેબ મારફતે ઈન્ટરનેશનલ ડ્રગ ઓનલાઇન સંપર્ક કરીને હવાલા સિસ્ટમ મારફતે વિદેશોમાં ક્રિપ્ટોકરન્સીથી પેમેન્ટની ચુકવણી કરીને બાય કાર્ગો એર કુરિયર મારફતે ગુજરાતમાં અલગ-અલગ સરનામાં પર દ્રાક્ષના પાર્સલો મંગાવતો હતો.

જો કે સ્કેનરમાં પકડાઈ ના જાય તે માટે ખાસ પ્લાસ્ટિકની બેગમાં ડ્રગ્સ છુપાવીને કોઈ પણ વસ્તુઓની આડમાં મંગવતો હતો. પોલીસએ આ પ્લાસ્ટિક ની બેગ પણ કબ્જે કરી છે. જે બેગ બનાવવામાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે તેની જાણકારી મેળવવા માટે તેને એફએસએલમાં પણ મોકલવામાં આવશે.

હાલમાં આરોપીની પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે લોકલ ચરસ તે હિમાચલ પ્રદેશથી મંગાવતો હતો. જયારે તેની પૂછપરછમાં અન્ય આરોપીઓ હિમાચલ પ્રદેશના ગુડ્ડુભાઈ, સુરતના ફેનીલ, બોપલના નીલ પટેલ, શ્યામલ ચાર રસ્તા પાસે રહેતા વિપુલ ગોસ્વામી, થલતેજના જીલ પરાઠે અને વાપીના આકીબ સિદ્દીકી ના નામ બહાર આવ્યા છે. પોલીસ એ તેણે પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપી એ અત્યાર સુધીમાં રૂપિયા ૧ કરોડ થી વધુ રકમનું ડ્રગ્સ વેચી દીધું હોવાનું સામે આવ્યો છે. જયારે પકડાયેલ અન્ય આરોપી પાર્થ શર્મા પણ મંગાવેલ ડ્રગ્સનો જથ્થો જયાં રાખવામાં આવ્યો છે. તેનું ધ્યાન રાખતો ઉપરાંત જયારે મુખ્ય આરોપી ગેરહાજર હોય ત્યારે તે લોકોને ડ્રગ્સ પૂરું પાડતો હતો. જેના બદલામાં તેને દર મહિને રૂપિયા ૨૦ થી ૨૫ હજાર મળતા હતા. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

(12:51 pm IST)