Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

અર્થતંત્રમાં નવો પ્રાણ ફુંકાશે

ગુજરાતમાં બે મહિનામાં અધધ દોઢ લાખ લગ્નં: ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ કરોડનું ટર્નઓવર થશે

આખા ભારતમાં નવેમ્બર - ડિસેમ્બર માસમાં જ ૨૫ લાખ લગ્ન યોજાવાની ધારણા

નવી દિલ્હી તા. ૧૭ : ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બર માસમાં ઓછાંમાં ઓછાં દોઢેક લાખ લગ્ન થવા જઈ રહ્યા છે અને તેના કારણે લગ્ન સમારંભ સાથે સંકળાયેલા બિઝનેસને કોરોના પહેલા જે સ્થિતિએ ફાયદો થતો હતો અને કામ મળતું હતું તે સ્તર સુધી પહોંચી ગયું છે. બે મહિના સુધી સિઝન પૂરબહારમાં ખૂલશે એવું સ્પષ્ટ દેખાય રહ્યું છે. કોરોનાના કારણે અટકી પડેલા લગ્નો હવે તાબડતોબ થઇ રહ્યા છે. જાણકારોએ આપેલી માહિતી મુજબ ગુજરાતમાં આ લગ્નના કારણે અંદાજે ૨૦થી માંડીને ૩૦ હજાર કરોડનું ટર્ન ઓવર થશે.

આખા ભારતમાં નવેમ્બર ડિસેમ્બર માસમાં જ ૨૫ લાખ લગ્ન યોજાવાની ધારણા છે અને ગુજરાતમાં લગભગ દોઢથી બે લાખ લગ્ન હાથ ધરાશે. જેમના ઘેર લગ્નો છે તેમના પરિવારે લગભગ ત્રણ મહિના અગાઉ બેંકવેટ હોલ, કેટરર, બ્યુટી પાર્લર, મ્યુઝિકલ પાર્ટીના બુકીંગ કરી લીધા હતા, અને તે પણ સામાન્ય ભાવ કરતા લગભગ ૨૦ ટકા વધારે ચૂકવીને. અત્યાર સુધી સંગીતના કાર્યક્રમોમાં મંદી હતી પણ હવે એના ધંધા પણ પૂરબહારમાં ખૂલવા લાગ્યા છે.

ઁ ઇવેન્ટના ભરતભાઈ કુંડલીયા જણાવે છે કે 'લગભગ બે વર્ષના અંતર બાદ ફરી લગ્નની સિઝન દ્વારા અમારા માર્કેટમાં રોનક આવી છે. નવેમ્બરથી લઈને માર્ચ સુધીના બુકીંગ થઇ ગયા છે અને અમે ખુબ જ ઉત્સાહિત છીએ. ફરીથી બધા પૂરી તાકાત સાથે સાથે કામે લાગી ગયા છીએ અને એવું લાગે છે કે આ અને આવતું વર્ષ સફળ રહેશે.'

કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય ચેરમેન અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા મહેન્દ્રભાઈ શાહ જણાવે છે કે 'ભારતીય અર્થતંત્રમાં લગ્ન મહત્વનું પાસું છે. વાર્ષિક અંદાજે ૩ લાખ કરોડનું ટર્ન ઓવર લગ્નસરાથી થઇ રહ્યું છે. હાલ આ બે મહિના અને બાદમાં આવતા લગ્ન મુહૂર્ત ભારતીય અર્થતંત્ર માટે શુભ સાબિત થશે અને સામાન્ય ધંધાર્થી લઈને ટોચના કારોબારીની ખુબ જ ફાયદો થવાનો છે. કપડાં, કેટારિંગ, ફૂલ, હોટેલ, બેન્કવેટહોલ, ટ્રાવાલિંગ, ઘરેણાં, ગીત-સંગીતના કલાકારો, સાઉન્ડ સહિતના તમામ ક્ષેત્રમાં તેજીનો તોખાર આવશે.'

હાલ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર સહિતના નાના મોટા શહેરોમાં હોલ, હોટેલ, કેટરર્સ, ડેકોરેટર, ટ્રાવેલર્સને ત્યાં એડવાન્સ બુકીંગ થઇ ગયા છે. ગુજરાતમાંથી અનેક ફેમિલી રાજસ્થાન અને ગોવામાં લગ્ન કરવાના છે. જોકે વાડી અને પાર્ટીપ્લોટસ પણ પેક થઇ ગયા છે. લગ્ન બાદ મોટાભાગના પરિણિતો ફરવા માટે દેશ વિદેશ જશે એટલે પ્રવાસનના અર્થતંત્ર ખરેખર ધબકવા લાગ્યું છે.

(10:01 am IST)