Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પ્રથમ નોરતે અંબાજી તેમજ માતાના મઢમાં કળશ સ્થાપના

માના નવલા નોરતાનો શુભાંરભ થયો : કોરોનામાં ઇતિહાસમાં પહેલીવાર માતાના મઢમાં ભક્તો નથી, અંબાજીમાં પણ સ્થાપના, માનું પહેલું નોરતું સંપન્ન

અમદાવાદ,તા.૧૭ : માના નવલા નોરતાનો આજથી શુભાંર થયો છે ત્યારે કોરોના કાળમા અનેક શક્તિપીઠમાં માતાના દર્શન નહીં કરી શકાય. જોકે, મંદિરના કમાડ ભક્તો માટે બંધ થાય તેનો અર્થ એ નથી કે સદીઓથી ચાલી આવતી પરંપરાઓ પણ તૂટી જાય. આજે કોરોના કાળ વચ્ચે પણ સદીઓથી શરૂ એવી પરંપરા અકબંધ રહી છે. આજથી નવરાત્રિના પ્રારંભ નીમિતે માતાના મઢમાં કળશ સ્થાપન તેમજ અંબાજીમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. કચ્છની કૂળદેવી આશાપુરા માતાના મઢમાં આજે કળશ સ્થાપના કરવામાં આવી હતી. મંદિરમાં મહંતો અને મહાનુભાવો દ્વારા કળશ પૂજન કરવામાં આવ્યું હતું.

            માતાનો મઢ નવરાત્રિમાં દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે એટલે આજે ચોક્કસ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં કળશ પૂજન કરાયું હતું. અંબાજી મંદિરમાં આજે નવરાત્રિના પ્રથમ નોરતે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં ઉચ્ચ પ્રસાશનિક અધિકારીઓની ઉપસ્થિતિમાં માતાજીના ઘટની સ્થાપના કરવામાં આવી હતી. આજથી નવરાત્રિના નોરતાના શુભારંભે વર્ષો જૂની પરંપરાને કાયમ રાખતા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે આ વર્ષે લાખોની મેદનીથી ઊભરાતા મંદિરો ખાલી ખમ રહેશે. કેટલાક મંદિરો નવરાત્રિમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે અંબાજી મંદિરના લાઇવ દર્શન પણકરી શકાશે.

(7:27 pm IST)