Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ચાણકયપુરી : સિલિન્ડરથી ગેસ ચોરીનું કૌભાંડ પકડાયુ

હરસિદ્ધિ ગેસ એજન્સીના માલિકના ઇશારે કૌભાંડ : સોલા પોલીસે દરોડા પાડીને સમગ્ર કાંડનો પર્દાફાશ કરતાં ભારે ચકચાર : ચાર આરોપીઓની ધરપકડ, તપાસ જારી

અમદાવાદ, તા.૧૭ :  શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ હરસિધ્ધિ ગેસ એજન્સીના માલિક અને તેમના ડિલિવરી બોય દ્વારા ગેસના સિલિન્ડરમાંથી મોટા પાયે ગેસની ચોરી કરવાના ચાલતા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે આ સમગ્ર કૌભાંડમાં ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં કાળુભાઇ મકવાણા, દિનેશભાઇ પરમાર, ખેંગારભાઈ આશાપુરા અને ભાવેશ આશાપુરાનો સમાવેશ થાય છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ ચેહરનગરની ચાલી, સેક્ટર-૩ પાસે ભરેલા ગેસના સિલિન્ડરમાંથી ગેસની ચોરી થતી હોવાની બાતમી મળતાં સોલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દરોડો પાડીને તપાસ કરતાં ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં પાઇપ દ્વારા ગેસ ભરી રહેલા ચાર શખ્સને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ગેસ સિલિન્ડર વિશે પૂછતાં આરોપીઓએ ચાંદલોડિયા ખાતે આવેલ હરસિધ્ધિ ગેસ સર્વિસ એજન્સીનાં ગેસ સિલિન્ડર હોવાનું જણાવ્યું હતું. ગેસ એજન્સીના માલિકની સૂચનાથી તે ગેસ સિલિન્ડરમાંથી ચોરી કરતો હોવાનું ડિલિવરી બોયે કબૂલ્યું હતું. પોલીસના દરોડામાં ઘરેલુ વપરાશ માટેના એલપીજી ગેસના ઇન્ડિયન કંપનીનાં ખાલી તેમજ ભરેલાં કુલ ૬૪ ગેસ સિલિન્ડર મળી આવ્યાં હતાં, જેમાંથી ૯ ગેસ સિલિન્ડર ખાલી તેમજ ૫૫ ગેસ સિલિન્ડર ભરેલાં હતાં. આરોપીઓ ભરેલાં (સીલ પેક) સિલિન્ડરમાંથી નોઝલ મારફતે ખાલી સિલિન્ડરમાં ગેસ ભરતા હતા. પોલીસ દ્વારા સ્થળ પરથી ૨ લોડિંગ રિક્ષા તથા પેડલ રિક્ષા, ૨ નોઝલ, ખાલી તેમજ ભરેલાં ગેસ સિલિન્ડર સહિત રૂ.૨.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે હરસિધ્ધિ ગેસ એજન્સીના માલિક તેમજ કૌભાંડમાં સામેલ અને વિતરણ કાર્ય કરતા કર્મચારીઓ સહિત પાંચ વ્યક્તિઓ સામે ઇપીકોની કલમ-૨૮૫, ૩૭૯, ૪૦૬, ૪૨૦, ૧૧૪, ૧૨૦ (બી) તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ કલમ-૩ તથા ૭ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, હજુ બે મહિના પહેલાં ચાંદલોડિયાના જનતાનગર ક્રોસિંગ પાસેના સીમંધર પ્લાઝાના મકાનમાં આવેલ સંતોષ ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસ સિલિન્ડરમાંથી ચોરી કરવાનું કૌભાંડ પકડાયું હતું, જેમાં પોલીસે દરોડો પાડીને ઘરેલુઅને કોમર્શિયલ વપરાશનાં ખાલી અને ભરેલાં ૧૦૦ સિલિન્ડર તેમજ બે લોડિંગ રિક્ષા જ્પ્ત કરી હતી. ગેસ એજન્સીઓ તેમના ડિલિવરી બોય દ્વારા ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ રીફીલિંગ કરી ગેસની ચોરી કરવા માટે વજન કરતાં સિલિન્ડર દીઠ ૧ કિલોથી ૫ કિલો સુધી ગેસ કાઢી લેતા હોય છે. ત્યારબાદ એજન્સીના માણસો ગ્રાહકોને તે વેચી અને બ્લેક માર્કેટીંગ કરતા હોય છે. ત્યારબાદ તેના દ્વારા મળેલાં નાણાં સરખા ભાગે વહેંચી લેતા હતા. શહેરમાં ગેસ એજન્સીઓ દ્વારા ચાલતા આવા કૌભાંડ મામલે પોલીસ અને તોલમાપ વિભાગ જો પ્રમાણિકપણે અને ભારે સખ્તાઇથી કાર્યવાહી કરે તો, આ દૂષણને નાથી શકાય.

(9:31 pm IST)
  • દિવાળી પહેલા કેન્દ્ર સરકારમાં સચિવ કક્ષાએ એકાદ ડઝન જેટલા ફેરફારો થાય તેવી સંભાવના:. અત્યારે આઠ જેટલા સેક્રેટરીઓની ખાલી જગ્યા પડી છે. જેમાં પંચાયત રાજ, pmo, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ, પેન્શન વગેરેનો સમાવેશ થાય છે access_time 1:20 am IST

  • રાજકોટમાં પ્રથમ નોંધાયો ત્રિપલ તલાકનો ગુનો : ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ત્રિપલ તલાકનો ગુનો access_time 1:10 am IST

  • ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે કહ્યું છે કે અમે સાવરકરના વિરોધી નથી પરંતુ તેમની હિન્દૂ વિચારધારાનો વિરોધ કરીએ છીએ. એ દરમીયાન ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે રાષ્ટ્ર માટે સાવરકરજીએ જે બલિદાન આપ્યું છે તે બીજા કોઈએ આપેલ નથી. access_time 1:17 am IST