Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

૫૫૦ વિદ્યાર્થીઓએ કેળાથી ડીએનએ કાઢી વિક્રમ સર્જયો

સાયન્સ ફેસ્ટીવલમાં અમેરિકાનો રેકોર્ડ તૂટયો : લખનૌની ગોએન્કા સ્કૂલના વિદ્યાર્થીઓએ ૬૧ મિનિટમાં કેળામાંથી ડીએનએ કાઢીને ગિનીઝ બુકમાં સ્થાન મેળવ્યું

અમદાવાદ, તા.૧૭ : તાજેતરમાં લખનૌ ખાતે યોજાયેલા ૪થા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલમાં ફળમાંથી ડીએનએ કાઢવાનો અમેરિકાનો રેકોર્ડ તૂટયો હતો. લખનૌની એક સાયન્સ સ્કૂલના ૫૫૦ વિદ્યાર્થીઓએ ૬૧ મિનિટમાં કેળામાંથી ડીએનએ કાઢી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. સાયન્સ ફેસ્ટીવલમાં ધોરણ-૮થી ૧૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય દ્વારા લખનૌમાં યોજાયેલા ૪થા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલમાં દેશના વિવિધ રાજયોમાથી વિજ્ઞાન સાથે જોડાયેલા સંશોધકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ફેસ્ટીવલમાં લખનૌની ગોએન્કા સ્કૂલના વિદ્યાર્થીઓએ કેળામાંથી ડીએનએ કાઢી વિશ્વવિક્રમ સર્જયો હતો.

વર્ષ ૨૦૧૭માં પપૈયામાંથી ડીએનએ કાઢવાનો વિશ્વવિક્રમ અમેરિકાના ૩૦૨ વિદ્યાર્થીઓના નામે હતો, જે લખનૌના વિદ્યાર્થીઓએ તોડયો હતો. ડીએનએ કાઢવા માટે કોઇમ્બતૂરની ઇન્સ્ટીટયુટ ઓફ ફોરેસ્ટ જેનેટીક્સ એન્ડ ટ્રી બ્રીડીંગે એક ખાસ સોલ્વન્ટ તૈયાર કર્યું હતું, જેની મદદથી આ પ્રયોગ સફળ રહ્યો હતો. આ ઇવેન્ટમાં કેળાની છાલ ઉતારી તેને બરોબર મસળી દીધા બાદ તેમાં સોલ્વન્ટ ભેળવવામાં આવ્યું હતું. બાદમાં કેળાના આ પલ્પને એક પ્લાસ્ટિકની થેલીમાં લઇ તેમાં ઇથેનોલ મિકસ કરવામાં આવ્યું, પહેલા સોલ્વન્ટ અને બાદમાં ઇથેનોલ નાંખવાથી કેળાના ડીએનએની સિકવન્સ આખી અલગ છૂટી પડી શકે છે. લખનૌના વિદ્યાર્થીઓએ આ સમગ્ર પ્રક્રિયા ૬૧ મિનિટમાં જ પૂર્ણ કરી વિશ્વવિક્રમ સર્જયો હતો.

(9:36 pm IST)