Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સગીરે પોતાના માતા-પિતા સાથે રહેવાની ના પાડતા તેના મામીઅે ભાણેજની કસ્‍ટડી માંગીઃ બંને વચ્‍ચે અનૈતિક સંબંધ હોવાની શંકા

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક વિચિત્ર કેસમાં 17 વર્ષના કિશોરને બાળ કલ્યાણ ગૃહમાં રહીને જ્યાં સુધી પોતે પુખ્ત વયનો થાય ત્યાં સુધી આગળનો અભ્યાસ કરવા આદેશ આપ્યો હતો. તેની પાછળનું કારણ છે કે સગીરે પોતાના માતા-પિતા સાથે રહેવાની ના પાડી દીધી હતી. જ્યારે સગીરના મામીએ સગીરની કસ્ટડી માગી હતી પરંતુ સગીરના માતા-પિતાએ તેનો ભારે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે આરોપ આપ્યો સગીરની 32 વર્ષની ડિવોર્સી મામીએ તેમના પુત્ર સાથે અનૈતિક સંબંધો બાંધ્યા છે અને તેના કારણે તે સગીરને ફોસલાવીને પોતાની પાસે રાખવા માગે છે પરંતુ અમને સંબંધ મંજૂર નથી.

માતા-પિતા અત્યાચાર કરતા હોવાનો મામી અને અન્ય અંકલનો દાવો

સમગ્ર કેસ હાઈકોર્ટ સમક્ષ ત્યારે આવ્યો જ્યારે સગીરની મામી અને અન્ય બે અંકલે કોર્ટમાં હેબિઅસ કોર્પ્સ અરજી કરીને સગીરના તેના પોતાના માતા-પિતા પાસેથી છોડાવવા માટે માગણી કરી હતી. સગીર અને તેના માતા-પિતા અમદાવાદમાં રહે છે જ્યારે તેના મામી અને અન્ય બે અંકલ મોડાસામાં રહે થે. તેમણે આરોપ મુક્યો કે સગીરના માતા-પિતા તેના પર અત્યાચાર કરે છે જેથી તેની સુરક્ષા માટે માતા-પિતાની કસ્ટડીમાંથી છોડાવવો જોઈએ.

સગીરે માતા-પિતા સાથે રહેવાની કોર્ટ સમક્ષ ના પાડી દીધી

છેલ્લા એક મહિનાથી પીટિશન કોર્ટમાં પેન્ડિંગ હોવાથી સગીરના સાબરકાંઠાના બાળ કલ્યાણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે કોર્ટમાં સગીરને પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તે પોતાના માતા-પિતા સાથે રહેવા નથી માગતો અને મામી તેમજ અન્ય અંકલ સાથે રહેવા માગે છે. જ્યારે બીજી તરફ પેરેન્ટ્સ દ્વારા બાબતનો સખત વિરોધ દર્શાવી કહેવાયું કે તે હજુ સગીર છે અને પોતે તેમના કુદરતી ગાર્ડિયન્સ છે ત્યારે બાળકની કસ્ટડી તેમને મળવી જોઈએ નહીં કે તેમના સંબંધીઓને.

કોર્ટે સગીરને બાળ કલ્યાણ ગૃહ મોકલી આપ્યો

કોર્ટમાં જજની ચેમ્બરમાં જ્યારે કેસની સુનાવણી કરવામાં આવી ત્યારે બંને તરફથી ગંભીર પ્રકારના આરોપ-પ્રત્યારોપ થયા. સગીરના મામી અને અન્ય અંકલે જ્યાં એકબાજુ સગીરના પેરેન્ટ્સ પર આરોપ મુક્યો કે તેઓ પોતાના પુત્ર પર અત્યાચાર કરે છે તો પેરેન્ટ્સે આરોપ મુક્યો કે સગીરના મામી પોતાના પુત્ર સાથે અનૈતિક શારીરિક સંબંધ ધરાવે છે. પહેલા તેમનો પુત્ર 5 વર્ષ સુધી સંબંધીઓ સાથે રહ્યો હતો પરંતુ હવે પેરેન્ટ્સ પોતાના પુત્રને ફરીથી તેમની સાથે રહેવા દેવા માગતા નથી.

(5:51 pm IST)