Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વલસાડ નજીક પારનેરાના મેળામાં દર્શનાર્થીઓની ભીડ રહેતા 176 જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો

વલસાડ:નજીક સુપ્રસિધ્ધ પારનેરાના ડુંગરે નવરાત્રિમાં ભરાતા આઠમના મેળામાં દર્શનાર્થીઓની ભારે ભીડ રહે છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વલસાડ પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. વલસાડ પોલીસના 176 જવાન 24 કલાક ખડે પગે ફરજ બજાવશે.
પારનેરાના ડુંગરે બિરાજતા માતા ચંડિકા, નવદુર્ગા અને અંબિકા ઉપરાંત ગોખમાં બેઠેલા મહાકાળીમાતા નો મહિમા અપરંપાર છે. પ્રાચીનગાથાઓમાં જેનો ઉલ્લેખ થયો છે, તે મહાકાલી માતા શિવાજીના કૂળદેવી કહેવાયા છે. તેમનું સ્થાનક પારનેરાના ડુંગરે છે. જ્યારે ચંડિકા, અંબિકા અને નવદુર્ગા માતા અનેક કૂળની કૂળદેવી ગણાયા છે. દર નવરાત્રિની આઠમે ભરાતા મેળામાં દૂરદૂરથી ભક્તો માતાના દર્શનાર્થે આવે છે. કેટલાક ચાલતા પદયાત્રા રૂપે તો કેટલાક સાયકલ યાત્રા સ્વરૂપે આવે છે. નવરાત્રિની સાતમને મંગળવારે સાંજે શરૂ થતો આ મેળો આઠમને બુધવારે રાત્રે પૂરો થશે. અહિં મોટીસંખ્યામાં મેળામાં આવતા ભક્તોની સુવિધા ખાતર અને કોઈ તકલીફ ઉભી ના થાય તે માટે ચૂસ્ત બંદોબસ્ત પોલીસ દ્વારા ગોઠવાયો છે. વલસાડ પોલીસ ના 176 જવાન 24 કલાક ખડે પગે ફરજ બજાવે છે. વલસાડ રૂરલ પોલીસ અને તેમની સહાયમાં સિટી પોલીસનો સ્ટાફ જોડાશે. 

(5:09 pm IST)