Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ધો. ૧૦માં પાસ થવા હવે ૧૦૦માંથી માત્ર ૩૩ માકર્સ લાવવા પડશે

સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓ માટે રાહત અને આનંદના સમાચાર

અમદાવાદ તા. ૧૭ : સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓ માટે રાહત અને આનંદના સમાચાર છે, કેમ કે હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઈ) એ ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ભાગ લઈ રહેલ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. સીબીએસઈ દ્વારા આ વર્ષે પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓને થિયરી અને પ્રેકિટકલમાં કુલ મળીને ૩૩ માકર્સે પાસ ગણાશે.

સીબીએસઈ બોર્ડે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે કે અત્યાર સુધી ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને પાસ થવા માટે થિયરીમાં ૩૩ માકર્સ અને પ્રેકિટકલમાં ૩૩ માકર્સ લાવવા પડતા હતા પણ તે હવે નવા નિયમ મુજબથી પ્રેકિટકલ અને થિયરી મળીને કુલ ૩૩ એ પાસિંગ માકર્સ ગણાશે, જેનો અમલ વર્ષ ર૦૧૯માં લેવાનારી બોર્ડની પરીક્ષામાં લાગુ પડશે.

આવતા વર્ષે લેવાનારી સીબીએસઈ ધો.૧૦ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ પણ સબ્જેકટમાં થિયરી અને પ્રેકિટકલ બંને મળીને ઓછામાં ઓછા ૩૩ માકર્સ ફરજિયાત લાવવા પડશે. નિયમ અનુસાર પહેલાં સીબીએસઈ ધો.૧૦ની બોર્ડમાં થિયરીમાં ૮૦માંથી ૩૩ માકર્સ લાવવા પડતા હતા અને પ્રેકિટકલમાં પણ ૩૩ માકર્સ લાવવા પડતા હતા.

હવેથી ઈન્ટર્નલના ૨૦ અને બોર્ડની પરીક્ષાના ૮૦ માકર્સ મળીને કુલ ૧૦૦ માકર્સનું પેપર રહેશે, જેમાંથી વિદ્યાર્થીએ કુલ ૩૩ માકર્સ લાવવાના રહેશે. બોર્ડની પરીક્ષા ર૦૧૯નું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે અને ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ પણ થઇ જશે. હવેથી ખાસ બોર્ડની વોકેશનલ સ્કિલની પરીક્ષા પહેલાં યોજાશે.

ત્યારબાદ મુખ્ય પરીક્ષા માર્ચમાં લેવામાં આવશે. દેશભરમાં સીબીએસઈની ૧૮૦૦૦થી વધુ સ્કૂલો આવેલી છે અને આ વખતે ર૦૧૯ની બોર્ડની પરીક્ષામાં લગભગ ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ હશે, જેનો સીધો લાભ આ વિદ્યાર્થીઓને મળશે.

(3:36 pm IST)