Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ગુજરાત હાઇકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો

ફકત કમાતી ન હોય એટલે માતાને બાળકની કસ્ટડી સોંપવાની ના પડી શકાય નહીં

હાઇકોર્ટે પતિના આરોપો નકારી કાઢયા : બાળક માટે માતા સૌથી વધુ જરૂરી

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક વ્યકિતને પોતાના એકમાત્ર બાળકની કસ્ટડી માતાને આપવા માટે આદેશ કરતા કહ્યું કે, 'એવું નથી કે માતા કમાતી ન હોય એટલે તે બાળકનું ધ્યાન રાખી શકે નહીં. ફકત આ એક કારણે માતાને બાળકની કસ્ટડી સોંપવાની ના પાડી શકાય નહીં.'

સોમવારે કોર્ટ સમક્ષ આવેલ આ કેસમાં બાળકના પિતાએ કારણ આપ્યું હતું કે, બાળકની માતા અને તેની પૂર્વ પત્ની પાસે આર્થિક ઉપાર્જનનું કોઈ સાધન નથી જેના કારણે તે બાળકની યોગ્ય સંભાળ રાખી શકે નહીં. હાઈકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા બાળકની કસ્ટડી માટે મહિલાની અરજીને રદ કરવાના આદેશને પોતાના ચુકાદામાં પલટાવી નાખ્યો હતો.

જેથી હાઈકોર્ટના આદેશની વિરુદ્ઘ પતિ સુપ્રિમ કોર્ટ પહોંચ્યો હતો જોકે દેશની સર્વોચ્ચ કોર્ટે પણ ગુજરાત હાઈકોર્ટના આદેશને યોગ્ય ઠેરવી પતિની અરજી નકારી કાઢી હતી. કેસમાં ગાંધીનગર નીવાસી મોના અને રિપલકુમાર પટેલ વાદી અને પ્રતિવાદી છે. કપલના લગ્ન ઓગષ્ટ ૨૦૧૨માં થયા હતા જે બાદ ઓકટોબર ૨૦૧૩માં તેમને પુત્ર થયો હતો. જોકે બાદમાં પતિ દ્વારા હરેસમેન્ટના આરોપ સાથે મોના પટેલ પોતાના પતિ રિપલકુમારથી ડિસેમ્બર ૨૦૧૩માં અલગ થઈ ગઈ હતી.

જે બાદ મહિલા પોતાના પુત્રની કસ્ટડી માટે ગાંધીનગર સેશન કોર્ટ પહોંચી હતી જોકે સેશન કોર્ટે પતિની તરફેણમાં આદેશ આપ્યો હતો. પતિએ કોર્ટને જણાવ્યું હતું કે તેમનો પુત્ર માત્ર ૪ મહિનાનો હતો અને તેની પત્ની પતિ અને પુત્ર બંનેને છોડીને ચાલી ગઈ હતી જેથી હવે પુત્ર પર તેનો કોઈ હક્ક થતો નથી. પરંતુ હાઈકોર્ટમાં મહિલાએ કહ્યું કે, તેના પતિએ પુત્ર વગર જ ઘર છોડી દેવા માટે ફરજ પાડી હતી અને તેને પોતાના બાળકને સ્તનપાન પણ કરાવવા દેવામાં આવતું નહોતું. જે બાદ સપ્ટેમ્બર ૨૯ના રોજ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મહિલા તરફી ચૂકાદો આપતા બંને પક્ષને બાળકનું ભવિષ્ય અને માનસિક વિકાસ ન ખોરવાય તે દ્રષ્ટીએ કસ્ટડી એકસચેન્જ કરવા આદેશ આપ્યો હતો.

(3:35 pm IST)