Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ગાંધીનગરમાં સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાનાં ચેરમેનપદે ચાર્જ સંભાળતા ડો. ભરતભાઇ બોઘરા

વિજયભાઇ રૂપાણી, નીતિનભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા સહિતની ઉપસ્થિતિ

આટકોટ તા.૧૭: જસદણનાં પુર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરાએ ગઇકાલે મુખ્યમંત્રી સહિતનાઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન તરીકે ચાર્જ સંભાળી લીધો હતો.

જસદણનાં કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાએ ભાજપનો ખેસ પહેરી લીધા બાદ ડો. ભરત બોઘરા જસદણના  સ્થાનિક રાજકારણમાં થોડા-ઘણે અંશે કામગીરી બંને વચ્ચે વહેંચાઇ જતા અને ભરત બોઘરાની કુશળતાને અને યોગ્યતાને ધ્યાને લઇ રાજય સરકારે ડો. ભરત બોઘરાની ચેરમેન તરીકે નિમણૂંક કરતા આ પંથકના ભાજપના કાર્યકરોમાં ખુશી છવાઇ ગઇ છે.

ગઇકાલે ગાંધીનગર સ્વર્ણીમ સંકુલ-૯માં માળે આવેલ જળસંચય યોજનાની ઓફિસમાં ડો. ભરત બોઘરાએ ચેરમેન તરીકે ચાર્જ સંભાળી લીધો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, જયેશ રાદડીયા, જીતુભાઇ વાઘાણી, ભીખુભાઇ દલસાણીયા, ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોંવિદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, હરીભાઇ પટેલ, જયંતિભાઇ કવાડીયા, હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, ધનસુખ ભંડેરી, કેશુભાઇ નાકરાણી, જશુબેન કોરાંટ, પ્રવિણભાઇ માંકડીયા, જિલ્લાનાં સંગઠનાં હોદેદારો, જસદણ તાલુકા અને શહેર ભાજપનાં હોદેદારો, નગર પાલિકાનાં હોદેદારો સહિત જસદણ વિંછીયા તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ આગેવાનો હાજર રહી ડો. ભરત બોઘરાને શુભેચ્છાઓ આપી હતી.

ઉલ્લેખનીય છે કે કુંવરજીભાઇ હાલ કેબીનેટ મંત્રી તરીકે કાર્યરત છે. અને હવે ડો. ભરત બોઘરા એ પણ ગાંધીનગર ચેરમેન પદે ચાર્જ સંભાળી લેતા જસદણ વિંછીયા તાલુકાની પ્રજામાં બંન્ને હાથમાં લાડવા જેવું થયુું છે. અને હવે જસદણ વિંછીયા તાલુકાનાં વિકાસનાં દ્વાર ઝડપથી ખુલશે એવી આશા જસદણ વિંછીયા તાલુકાની પ્રજામાં બંધાઇ છે.(૧.૯)

(11:59 am IST)