Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

હવે નર્મદાની જળસપાટીમાં અવિરત વધારો થઇ રહ્યો છે

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના લીધે આવક વધી : છેલ્લા ૨૪ કલાકમાં નર્મદા જિલ્લામાં પણ ઉલ્લેખનીય વરસાદ : તિલકવાડામાં પ ઇંચ વરસાદથી પાણી ભરાયા

અમદાવાદ, તા. ૧૭ : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પરિણામ સ્વરુપે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમની  જળસપાટીમાં વધારો થતાં લોકો પણ પહોંચી રહ્યા છે. ડેમની જળસપાટી છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ૧૧૧.૩૦ મીટરે પહોંચી ગઈ હતી. અવિરત વરસાદના પરિણામ સ્વરુપે પાણીની આવક વધી રહી છે. જળસપાટી દરકલાકે ત્રણથી ચાર સેન્ટીમીટર વધી રહી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ૧૨ કલાકમાં જ જળસપાટી ૩૨ સેન્ટીમીટરથી વધારે વધી ગઈ છે. અગાઉ આવક ૪થી પાંચ હજાર ક્યુસેક હતી જે વધીને હવે ૬૭૪૭ સુધી પહોંચી છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમની જળસપાટીમાં વધારો થતાં ખેડૂતોમાં પણ આનંદનું મોજુ ફરી વળ્યું છે. નર્મદા જિલ્લામાં પણ ઉલ્લેખનીય વરસાદ થઇ રહ્યો છે. નર્મદા જિલ્લામાં વરસાદની વાત કરવામાં આવે તો નાંદોદમાં એક ઇંચ, ડેડિયાપાડામાં બે ઇંચ, સાગબારામાં ૨.૫ ઇંચ, તિલકવાડામાં પાંચ ઇંચ, ગરુડેશ્વરમાં ૨.૫ ઇંચથી વધુ વરસાદ થયો છે. હજુ ભારે વરસાદની ચેતવણી છે જેથી નર્મદા જિલ્લામાં પણ વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ નર્મદા જિલ્લામાં પણ આગામી બે દિવસ દરમિયાન ભારેથીઅતિ ભારે વરસાદ થઇ શકે છે.

 

(8:57 pm IST)