Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

સોજીત્રા તાલુકામાં રાત્રીના સુમારે તસ્કરોએ લાખોની મતાની ચોરી કરી

સોજીત્રા:તાલુકાના મલાતજ તેમજ કાસોર દૂધ મંડળીમાં ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ તાળા તોડીને અંદરથી લાખોની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
ચોરીની મળતી વિગતો અનુસાર મલાતજ ગામે આવેલી દૂધ મંડળી દ્વારા ગ્રાહકોને વહેંચવા માટે બેંકમાંથી ૫.૫૦ લાખ ઉપાડવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રી સુધી આવેલા ગ્રાહકોને નાણાંની વહેંચણી કર્યા બાદ સેક્રેટરી દ્વારા વધેલા રોકડા ૭૪,૨૦૦ રૂપિયા ટેબલના ડ્રોવરમાં ઈન્ટરલોક મારીને મૂક્યા હતા. દરમ્યાન ગઈકાલે રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને મુખ્ય દરવાજાનું તાળુ હથિયારથી તોડી નાંખીને અંદર પ્રવેશ કરી સેક્રેટરીના ટેબલ તથા ડ્રોવરના લોક તોડી નાંખીને અંદર મુકેલા રોકડા ૭૪,૨૦૦ ચોરી કરી લીધા હતા. ત્યાંથી આ તસ્કરો કાસોર ગામે આવેલી દૂધ મંડળીમાં ત્રાટક્યા હતા અને ત્યાંથી પણ રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 
સવારે જ્યારે બે-બે દૂધ મંડળીઓમાં ચોરી થયાની જાણ સોજીત્રા પોલીસને થતાં જ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફરી એકવાર જિલ્લામાં આવેલી દૂધ મંડળીઓના તાળા તોડીને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ જવા પામી છે. જેને લઈને હવે દૂધ મંડળી પણ સલામત રહેવા પામી નથી.

(5:54 pm IST)