Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ગુજરાતમાં ૧,૦૦,૧૨,૬૬૭ બાળકોને રસી આપી ઓરી - રૂબેલાથી સુરક્ષિત કરાયા : જયંતી રવિ

રસીકરણમાં ૬૩ ટકા સિધ્‍ધી : બાકી રહેલા ૬૦ લાખ બાળકો માટે અભિયાન ચાલુ

રાજકોટ તા. ૧૭ : ગુજરાતમાં ૧ કરોડ, બાર હજાર, ૬૬૭ બાળકોને એમ.આર.ની રસી આપીને ઓરી અને રૂબેલા રોગથી સુરક્ષિત કરવામાં આવ્‍યા છે. અગ્રસચિવ અને આરોગ્‍ય કમિશનર શ્રીમતી ડો. જયંતી રવિએ આજે આ જાહેરાત કરતાં જણાવ્‍યું હતું કે, એક મહિના દરમિયાન ૬૩ ટકા સિદ્ધિ હાંસલ થઇ છે. હવે ૬૦ લાખ જેટલા બાળકોને રસી આપવાનું અભિયાન ચાલું છે. તમામ બાળકોને ઓરી અને રૂબેલાના રોગથી સુરક્ષિત કરવાની આપણી સામૂહિક જવાબદારી છે. એક પણ બાળક બાકી ન રહે એ માટે લોકજાગૃતિ કેળવવામાં પ્રચાર માધ્‍યમો પણ સહયોગ આપે એવી અપીલ ડો. જયંતી રવિએ કરી હતી.

ડો. જયંતી રવિએ જણાવ્‍યું હતું કે, ઓરી અને રૂબેલા રોગની ગંભીરતાને ધ્‍યાને લેતાં રસીકરણથી બાકી રહી ગયેલા બાળકોને આ રોગના વાયરસના સંક્રમણનો ભય વધારે હોવાથી એમ.આર. રસીથી આવરી લેવા અત્‍યંત આવશ્‍યક છે. તમામ માતા-પિતાઓ અને શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકોને અપીલ કરતાં તેમણે જણાવ્‍યું હતું કે, ૯ માસથી ૧૫ વર્ષની વયના તમામ બાળકોને રસી અપાવીએ અને બાળકોના સુરક્ષિત ભવિષ્‍યનું નિર્માણ કરીએ.

ગુજરાતમાં ૧ કરોડથી વધુ બાળકોને એમ.આર.રસી મુકવામાં આવી છે. આ રસી મુકાયા પછી એક પણ બાળકને રસીકરણના કારણે કોઇપણ પ્રકારની ગંભીર આડ અસર થઇ નથી. રાજયની શાળાઓમાં ૮૧,૫૬૦ જેટલા સેશનમાં રસીકરણ કરાયું છે તો આંગણવાડી અને આરોગ્‍ય કેન્‍દ્રોમાં ૫૦,૨૮૮ સેશનમાં રસીકરણ કરાયું છે. શાળાઓમાં આ અભિયાનને લઇને શિક્ષકો, વાલીઓ અને બાળકોમાં ઉત્‍સવ જેવા માહોલનું વાતાવરણ સર્જાયું છે. એમ કહીને શ્રીમતી ડો. જયંતી રવિએ કહ્યું હતું કે, રાજયની જે શાળાઓમાં તમામ બાળકોનું રસીકરણ થઇ ગયું છે, એવી શાળાઓના આચાર્યોનું બહુમાન કરવાનું પણ આયોજન વિચારણામાં છે.

સમગ્ર કાર્યક્રમના સુપરવિઝન માટે વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા તરફથી તમામ જિલ્લા તથા કોર્પોરેશન વિસ્‍તાર માટે મોનિટર્સ નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. યુનિસેફ સંસ્‍થા તરફથી રસીકરણ અંગે ગેરસમજ દૂર કરવા માટે વિવિધ સહયોગ આપવામાં આવ્‍યો છે તથા અન્‍ય રાજયોમાંથી પણ ૭ જેટલા નિષ્‍ણાંતો નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. ઉપરાંત આ અભિયાન અંતર્ગત સરકારના ઉચ્‍ચ અધિકારીઓ, શાળાઓના શિક્ષકો તેમજ ખાનગી બાળરોગ નિષ્‍ણાંત પણ પોતાના બાળકોને એમ.આર.ની રસી અપાવી સમાજ માટે ઉમદા અને પ્રેરક ઉદાહરણ પ્રસ્‍તુત કરી રહ્યા છે.

(12:48 pm IST)