Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

NA મેળવવાની પરવાનગીની કાર્યપધ્ધતિ હવે ઓનલાઇન

અમદાવાદ - ગાંધીનગરમાં પાયલોટ પ્રોજેકટનો ૧૬ ઓગસ્ટથી અમલ શરૃઃ સમગ્ર રાજ્યમાં અમલ માટે અલગથી પરિપત્ર જાહેર કરાશેઃ વેબસાઇટ પર ફરજિયાતપણે અરજી, સોગંદનામુ અપલોડ કરવું પડશે : ઓનલાઇન રજૂ કરેલી વિગતો ખોટી હશે તો આઇપીસીની કલમો હેઠળ કાર્યવાહી થશે

અમદાવાદ તા. ૧૭ : રાજય સરકારે જમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫ હેઠળ અપાતી બિનખેતી (નોન એગ્રીકલ્ચર-એનએ)ની પરવાનગી મેળવવાની કાર્યપદ્ઘતિને હવે ઓનલાઈન કરવાનો નિર્ણય લીધો છે. આજે ૧૬ ઓગસ્ટથી જ અમદાવાદ-ગાંધીનગર જિલ્લામાં કલેકટરના અધિકાર હેઠળ આવતાં તમામ વિસ્તારોમાં પાયલોટ પ્રોજેકટ તરીકે તેનો અમલ શરૂ કરાયો છે. ત્યાર બાદ સમગ્ર રાજયમાં ઓનલાઈન એનએ આપવાની પદ્ઘતિ અંગે અલગથી પરિપત્ર જાહેર કરીને જાહેરાત કરાશે.

સરકારે જાહેર કર્યા મુજબ હાલની પદ્ઘતિ પ્રમાણે બિનખેતીની પરવાનગી મેળવવા નક્કી કરેલા નમૂનામાં અરજી કરવી પડે છે અને તેની સાથે ગામ નમૂના નંબર-૬, ૭-૧૨, અને ૮(અ) જેવા પુરાવાની નકલો, પ્રીમિયમપાત્ર જમીન માટે કલેકટરની હુકમોની નકલ તથા રકમ ભર્યાની પહોંચ, માપણી ફીની પહોંચ, બોજો કમી કર્યાની પહોંચ, ઝોન અંગેનું પ્રમાણપત્ર, ઓફ ફોર્મ વગેરેની નકલો આપવાની થાય છે. એવી જ રીતે હાલની પદ્ઘતિ પ્રમાણે મ્યુનિ. કોર્પોરેશન અને તેને સંલગ્ન શહેરી વિકાસ સત્ત્।ા મંડળો-વિસ્તારોમાં બિનખેતી પરવાનગી મેળવવા માટેની અરજી આવે ત્યાર બાદ કલેકટરે માત્ર જમીનના ટાઈટલ્સ, જમીન સંપાદન હેઠળ છે?, શહેરી ટોચ મર્યાદા ધારા હેઠળની છે?, કોઈ બંધાન લાગુ પડે છે?, જમીનના માલિકીપણાના કોઈ દાવા પડતર છે?, કોઈ સરકારી લેણું બાકી છે?, જમીન નવી શરતની છે?, પ્રતિબંધિત સત્તા પ્રકારની છે?, જો હોય તો પ્રીમિયમની વસૂલાત થઈ છે? જેવી બાબતોની ચકાસણી કરવામાં આવે છે.

આ પરિસ્થતિમાં સરકાર તરફથી જ એવી દલીલ કરવામાં આવી છે કે, હાલમાં ગામ નમૂના નંબર-૬, ૭-૧૨, અને ૮-અની વિગતો તથા મહેસૂલ કેસ, બિન મહેસૂલી કેસોની વિગતો, સરકારના વેબ પોર્ટલ પર ઉપલબ્ધ જ હોય છે. એવી જ પ્રીમિયમ પાત્ર જમીન હોય તો, બિનખેતીના હેતુ માટે નવી શરતની જમીન, જૂની શરતમાં ફેરવવા માટેના કલેકટરના હુકમની નકલ, પ્રીમિયમ ભર્યાની પહોંચ પણ જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ હોય છે ત્યારે અરજદારો પાસેથી અરજીની સાથોસાથ આ અંગેના પુરાવા માગવાના કારણે કામગીરી બેવડાય છે અને બિન જરૂરી મુશ્કેલીઓ ઉભી થાય છે. આ સંદર્ભમાં સરકારે હવેથી બિનખેતી (એનએ)ની પરવાનગી મેળવવા માટેની કાર્યપદ્ઘતિને ઓનલાઇન કરવા નિર્ણય લીધો છે.(૨૧.૪)

એનએ મેળવવાની કાર્યપધ્ધતિ શું રહેશે?

   ઓનલાઇન અરજી, સોગંદનામાની વિગતો ભરવાની રહેશે.

   અરજી - સોગંદનામુ વેબસાઇટ પરથી ફરજિયાતપણે અપલોડ કરવું પડશે.

   ઓનલાઇન વિગતો ખોટી હશે તો આઇપીસીની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરાશે.

   ઓનલાઇન અરજી, સોગંદનામુ સબમીટ કર્યાના દિન-૧૦માં અસલ સહીવાળી અરજી અને સોગંદનામુ રૂબરૂ કે રજીસ્ટર્ડ પોસ્ટથી જમા કરાવવું પડશે.

   અરજી-સોગંદનામુ સ્વીકાર્યા બદલની રસીદ મેળવવી પડશે. અસ્વીકારના કેસમાં અસ્વીકારનો પત્ર લેવો પડશે.

   એનએ માટેની કરાયેલી માગણી હેઠળના વિસ્તારના ચો.મી. દીઠ ૫૦ પૈસા લેખે પ્રોસેસ ફી જિલ્લા ઇ-ધરા ફંડમાં ઓનલાઇન જમા કરાવવી પડશે.

   આઠેય મહાનગરોમાં કલેકટરોએ આ માટે એક અધિકારીને કામગીરી સોંપવી પડશે.

   ૭-૧૨ તથા નોંધોની પ્રાથમિક ચકાસણી કરીને ચેકલીસ્ટ મુજબની વિગતો ભરવી પડશે, જરૂરીયાતના કિસ્સામાં અભિપ્રાય ઓનલાઇન મગાશે.

   જે-તે કચેરીએ ૭ દિવસમાં અભિપ્રાય આપી દેવો પડશે.

   ઓનલાઇન પ્રકરણની તપાસ બાદ નામંજૂરીના કિસ્સામાં સાથે લેખિત તથા ઓનલાઇન જાણ કરવાની રહેશે

   મંજૂરીની કિસ્સામાં નિયમ મુજબ, નાણા ભરવાની જાણ પણ ઓનલાઇન કરવી પડશે.

   પરવાનગીના કિસ્સામાં સોફટ વેર દ્વારા અરજદારોને વિવિધ લિન્ક મોકલવામાં આવશે. તે દ્વારા અરજદારે રૂપાંતર કર, વિશેષધારો અને માગેલ ફીના નાણા ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમથી જમા કરાવવા પડશે.

   નાણા ભરવાની જાણ એસએમએસથી કરાયાના ૨૧ દિવસમાં નાણા જમા ન કરાવવાના કિસ્સામાં પરવાનગી રદ્દ ગણાશે.

   આ તમામ પ્રક્રિયામાં જરૂરી અભિપ્રાયો, મંજુરી, અસ્વીકાર, નાણા ભરવાની જાણ કરતો પત્ર તથા આખરી હુકમ કોમ્પ્યુટરાઇઝડ જનરેટ થશે.

   આ પત્રની પ્રિન્ટ પર સહી-સિક્કા કરીને જરૂરી પત્ર વ્યવહાર કરાશે.

(10:25 am IST)