Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

વડોદરામાં કોરોના મહામારી બાદ અનેક લોકો આર્થિક તંગીથી પરેશાનઃ છેલ્લા ત્રણ મહિનામાં 51 લોકોના આપઘાત

વડોદરા: કોરોના મહામારી બાદ પૃથ્વી પરના દરેક વ્યક્તિનું જીવન બદલાઈ ગયું છે. રહેણીકરણી બદલાઈ ગઈ છે. લોકો છૂટથી હરીફરી શક્તા નથી. પણ સાથે અનેક લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં છે. આવામાં વડોદરામાં અજીબ બદલાવ આવી રહ્યાં છે. વડોદરામા કોરોના મહામારી બાદ આત્મહત્યાના કિસ્સામાં વધારો થયો છે. પુરુષોની આત્મહત્યામા ચાર ગણો વધારો થયો છે. એપ્રિલ અને મે મહિનામા 7-7 મહિલા અને પુરુષોએ આત્મહત્યા કરી હતી. તો જુન મહિનામા 10 મહિલા અને 27 પુરુષોએ આપઘાત કર્યો હતો. વડોદરા પોલીસ ચોપડે આંકડા નોંધાયા છે.

વડોદરાના મનોચિકિત્સક ડો. યોગેશ પટેલે કહ્યું કે, લોકડાઉન બાદ લોકોની નોકરી છૂટી છે, ધંધા રોજગાર બંધ થયા છે. સાથે લોકોનો વેપાર ધંધામાં મંદી છે. અનલૉક 2માં મકાન લોન, વ્યાજથી લીધેલ રૂપિયાના હપ્તા, મકાન ભાડું, કાર લોન, વેરા બિલ, લાઈટ બીલ બધું એક સામટું થઈ જવાના કારણે લોકો માનસિક અને આર્થિક રીતે તૂટી ગયા છે. જેથી લોકો આત્મહત્યાનો રસ્તો અપનાવી રહ્યાં છે. આગામી સમયમાં સામૂહિક આપઘાતના મામલા પણ સામે આવશે. જેને રોકવા સરકારે તનાવ નિરાકરણ હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ. સ્થાનિક તંત્ર કે એનજીઓએ સામે આવવું જોઈએ અને આવા લોકોનું કાઉન્સેલિંગ કરી મદદ કરવી જોઈએ. સરકાર હાલમાં માત્ર કોરોના ટ્રીટમેન્ટ પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પરંતુ સરકારે લોકો માનસિક તણાવમાંથી કેવી રીતે બહાર આવે એના પર પણ ભાર મૂકવો જોઈએ.

યોગેશ પટેલ કહે છે કે, મારા પાસે કાઉન્સેલિંગ કરાવવા આવતા લોકોની સંખ્યા પણ વધી છે. લોકો પારિવારિક ઝઘડા, આર્થિક સંકડામણ, કોરોનાનો ભય જેવા કારણો સાથે કાઉન્સેલિંગ કરવા આવે છે. કોરોનાનો ભય, આર્થિક સંકડામણ અને ઘર કંકાસ વગેરે જેવા મુખ્ય કારણોથી આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. આગામી સમયમા સામુહિક આત્મહત્યાનું પ્રમાણ વધી શકે છે. સરકારે ઠોસ પગલા લેવાની જરૂર છે.

(5:19 pm IST)