Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

વલસાડ જિલ્લાના રૂા.૧૦૫ કરોડના ખર્ચે ૬ વિકાસકાર્યોનું નાયબ મુખ્‍યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્‍તે ઇ-લોકાર્પણ/ ખાતમુહૂર્ત

વલસાડ જિલ્લામાં રૂા.૪૫ કરોડના ખર્ચના બે કામોનું લોકાર્પણ, રૂા.૪.૫૦ કરોડના ખર્ચના બે કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂા.૫૬ કરોડના ખર્ચના બે કામોનું ભૂમિપૂજન મળી કુલ રૂા.૧૦૫.૭૫ કરોડના ખર્ચના ૬ વિકાસકાર્યોનું નાયબ મુખ્‍યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્‍તે ઇ-માધ્‍યમથી તકતી અનાવરણ કરી લોકાર્પણ/ ખાતમુહૂર્ત/ ભૂમિપૂજન કરાયા હતાં.
 નાયબ મુખ્‍યમંત્રી નિતીનભાઇ પટેલે ગાંધીનગર ખાતેથી ઇ- માધ્‍યમથી લોકાર્પણ/ખાતમૂહૂર્ત કરતાં જણાવ્‍યું હતું કે, કોરોના જેવી મહામારીમાં સમગ્ર દેશમાં ધંધા-રોજગાર, વ્‍યવસાય, પશુપાલન જેવી જીવનજરૂરી સેવાઓ કાર્યરત થાય જનજીવન થાળે પડે તેવા પ્રયાસો હાથ ધરાયા છે ત્‍યારે જાહેર જનતાને કોરોના મહામારી વચ્‍ચે વડાપ્રધાન મોદીનું લક્ષ્ય  ‘જાન હે તો જહાન હૈ' તેમજ ‘દો ગજકી દૂરી રાખી' તેમાં સહયોગ આપે તે જરૂરી છે. રાજ્‍ય સરકારના પ્રતિનિધિઓના અવિરત પ્રયાસો અને સચોટ રજૂઆતોના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્‍તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા વિવિધ પ્રોજેક્‍ટોનું લોકાર્પણ અને નવા થનારા કામોના ખાતમુહૂર્ત કરાયા છે. વલસાડ આર.પી.એફ. પાસે મલ્‍ટીલેટર રેલવે ઓવરબ્રીજ તેમજ વાપી શહેરને દમણ સાથે જોડતા ફોરલેન રેલવે ઓવરબ્રીજની મંજૂરી આપવામાં આવી છે. જે લોકોને ખુબ ઉપયોગમાં આવશે. સાંસદ ડૉ.કે.સી.પટેલે વલસાડ આર.પી.એફ. પાસે મલ્‍ટીલેયર રેલવે ઓવરબ્રીજ તેમજ શહેર તેમજ વાપીને દમણ સાથે જોડતા ફોરલેન રેલવે ઓવરબ્રીજની મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવી આ બ્રીજના નિર્માણથી અહીંની ટ્રાફિકની સમસ્‍યાનું કાયમી નિરાકરણ થશે તેવી આશા વ્‍યક્‍ત કરી હતી. જિલ્લામાં ૨૨ રેલવે ઓવરબ્રીજ બનાવવામાં આવશે તેમ પણ જણાવ્‍યું હતું. વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, પારડી ધારાસભ્‍ય કનુભાઇ દેસાઇએ રાજ્‍ય સરકાર દ્વારા જિલ્લામાં ફાળવાયેલા વિકાસકાર્યો બદલ આભારની લાગણી વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે, પુલના લોકાર્પણ બદલ આનંદની લાગણી અનુભવી પારડી, વલસાડ તાલુકાના પ્રજાજનો, વાહનચાલકો સહિત કાંઠા વિસ્‍તારના અનેક ગામો  માટે ખૂબ જ ઉપયોગી બનશે. આ વિકાસ કામોમાં રૂા.૩૮.૫૦ કરોડના ખર્ચે ઉમરસાડી બ્રીજના બાંધકામથી પારડી તાલુકાના ઉમરસાડી, કલસર, પલસાણા, ઉદવાડા, વલસાડ તાલુકાના મગોદ, ભગોદ, સેગવી દિવેદ ગામે તથા દમણ કેન્‍દ્ર શાસિત પ્રદેશને જોડતા ગામોમાં વાહન વ્‍યવહાર માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. કોસ્‍ટલ હાઇવે નં.૬ ઉપર ઉમરસાડીથી વલસાડ જવા માટે અંદાજે ૨૩ કિ.મી.નું અંતર માત્ર ૨.૮૦ કિ.મી. થઇ જશે. જેથી પારડી અને વલસાડ તાલુકાના ગામોને વલસાડ જિલ્લા મુખ્‍યમથકને જોડતો ખૂબ જ અગત્‍યનો ટૂંકો રસ્‍તો બનતાં રોજિંદા અવરજવર કરતા લોકોના સમયની બચત થશે.
 રૂા.૩૫.૧૭ કરોડના ખર્ચે નેશનલ હાઇવે નં.૪૮ થી ઉમરગામ સંજાણને જોડતા રસ્‍તા ઉપર રેલવે ઓવરબ્રીજના કારણે નંદિગામ, તુંબ, ડહેલી, મલાવ, વંકાછ વગેરે કાંઠા વિસ્‍તારના ગામોની રર હજાર કરતાં વધુ વસતિને લાભ થશે. આ ફાટક ઉપર બ્રીજ બનવાથી ટ્રાફિક જામના પ્રશ્‍નનું કાયમી નિરાકરણ થઇ જશે અને સમય, ઇંધણ તેમજ નાણાંની બચત થશે. આ વિસ્‍તારમાં આવેલા ઉદ્યોગોને પણ મોટો ફાયદો થવાથી અહીંનો વિકાસ ઝડપી બનશે.
 રૂા.૨૧.૦૮ કરોડના ખર્ચે કપરાડા તાલુકાના છેવાડાના અંતરિયાળ ગામોને જોડતા સ્‍ટેટબારી-લીખવડ-સુલીયા રસ્‍તો પહોળો અને મજબૂતીકરણ થવાથી સ્‍ટેટબારી, આંબાજંગલ, શાહુડા, લીખવડ, નાનીપલસાણ, ગોટવળ, સુલીય, મોટીપલસાણ, તેરી ચીખલી, ઘાણવેરી, અસલકાંટી, ડીઘી, ટીટુખડક, નારવડ, ટુકવાડા, કુંભસેત વગેરે પંદર જેટલા ગામોની વીસ હજાર કરતાં વધુ વસતિના  લોકોને રોજગારી અને વિદ્યાર્થીઓને શિક્ષણ માટે કપરાડા તાલુકા મુખ્‍યમથક તથા અન્‍ય જગ્‍યાએ આવવા-જવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. રૂા.૬.૫૦ કરોડના ખર્ચે મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વારોલી-ભંડારકચ્‍છ, જીરવલ-રાંધા રોડ ઉપર બનેલા આ પુલને કારણે કપરાડા તાલુકા તથા સેલવાસના ગામોને બારેમાસ વાહનવ્‍યવહારનો લાભ મળશે. રૂા. ૨.૫૦ કરોડના ખર્ચે પારડી તાલુકાના પરવાસા એપ્રોચ રસ્‍તો ૩.૭પ મીટરમાંથી પ.પ૦ મીટર પહોળો કરી મજબૂતીકરણ થતાં વાઘછીપા, પારડી અને નાનાપોંઢા જેવા માર્કેટિંગ સેન્‍ટર તથા તાલુકા મથકે અવરજવર માટે સરળતા રહેશે.રૂા.૨ કરોડના ખર્ચે વાપી તાલુકાના સલવાવથી કોપરલી ગામને જોડતા રસ્‍તો પહોળો અને મજબુતીકરણ થતાં આ વિસ્‍તારના ગ્રામજનોને અવરજવર માટે સરળતા રહેશે.
કાર્યપાલક ઇજનેર હેમંત સુથારે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી આજે લોકાર્પણ/ ખાતુમુહૂર્ત થયેલા કામગીરીની વિગતવાર જાણકારી આપી હતી.આ અવસરે સાંસદ ડૉ.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, ધારાસભ્‍યો સર્વે ભરતભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પંતાયત એ.એલ.પટેલ,  બાળ સુરક્ષા વિભાગના અધ્‍યક્ષ મતિ સોનલબેન સોલંકી, કિરણબેન સહિત ગ્રામજનો હાજર રહયા હતા.નાયબ કાર્યપાલક ઇજનેર જતીન પટેલે આભારવિધિ આટોપી હતી.

(10:11 pm IST)