Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ગાંધીનગરમાં ઘરફોડ ચોરીના ગુનાહમાં બે સાગરીતોની પ્રેસ સર્કલ નજીકથી અટકાયત

ગાંધીનગર:શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના ગુનાઓમાં સતત વધારો થઈ રહયો છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે શહેરમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના બે સાગરિતોને પ્રેસ સર્કલ પાસેથી ઝડપી પાડયા હતા અને તેમની પુછપરછમાં ચોરીના પાંચ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.તો આ ગેંગના અન્ય પાંચ આરોપીઓને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે. આ ટોળકીએ ગાંધીનગર ઉપરાંત રાજયના અન્ય શહેરોમાં પણ તરખાટ મચાવ્યો છે.

ગાંધીનગર શહેરમાં છેલ્લા બે ત્રણ મહિનાથી ઘરફોડ ચોરીના બનાવોમાં સતત વધારો નોંધાયો છે તેમાં ખાસ કરીને બંધ મકાનોને ટોળકી નિશાન બનાવતી હતી અને લાખો રૃપિયાનો મુદ્દામાલ ચોરવામાં સફળ થઈ હતી ત્યારે જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા એલસીબી પીઆઈ જે.ડી.પુરોહિતને આ પ્રકારના ગુનાઓ ઉકેલવા માટે તાકીદ કરાઈ હતી જે અનુસંધાને એલસીબીની ટીમ બાતમીદારોને સક્રીય કરી આવા ગુનાઓને ઉકેલવા માટે દોડધામ કરી રહી હતી.

જેના પગલે પીએસઆઈ યુ.આર.નલવાયાની બાતમીના આધારે પ્રેસ સર્કલ પાસેથી રાજુ સવસિંગ બારીયા રહે.ગરબાડા, દાહોદ અને વિનોદ લાલભાઈ ભાભોર રહે.ગરબાડા, દાહોદને શકમંદ હાલતમાં ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી ડીસમીસ અને હથોડી મળી આવ્યા હતા. આ બન્ને શકમંદોની આકરી પુછપરછ કરતાં તેમણે ગાંધીનગર શહેર અને જિલ્લામાં સે-ર૧, સે-૭, કલોલ અને અડાલજ પોલીસની હદમાં પાંચ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરી હતી.

(6:21 pm IST)