Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મહેસાણા જિલ્લામાં મોઢેરા સૂર્યમંદિરના દર્શન ખુલતા લોકોનું ઘોડાપુર જોવા મળ્યું

મહેસાણા:જિલ્લાના મોઢેરા ખાતે આવેલા સુપ્રસિધ્ધ સૂર્યમંદિરને એક માસ બાદ ફરીથી પર્યટકો માટે બુધવારથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે નોંધપાત્ર પ્રવાસીઓ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રવેશદ્વારે દરેક મુલાકાતીનું થર્મલ ગનથી ટેમ્પરેચરની તપાસ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

મોઢેરાના સૂર્યમંદિરનું પર્યટકોમાં આગવું મહત્વ છે પ્રતિવર્ષ મંદિરની કલાત્મક કોતરણી જોવા દેશભરમાંથી પર્યટકો આવે છે. જેમાં વિદેશના પ્રવાસીઓ પણ રાજ્યમાં આવે ત્યારે અચુક સૂર્યમંદિરની મુલાકાત લેતા હોય છે. જોકે કોરોનાની બીજી લહેરમાં મહેસાણા જિલ્લામાં સંક્રમણ વધતા ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જ્યારે કોરોના પિડીત દરદીઓના મોતની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થયો હતો. જેના લીધે કોરોના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે જિલ્લામાં ધાર્મિક અને પર્યટક સ્થળો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જેમાં છેલ્લા એક મહિનાથી ઐતિહાસિક સૂર્યમંદિર પણ પર્યટકો માટે બંધ રાખવામાં આવ્યો હતો. હવે મહેસાણા જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ખુબજ ઘટાડો થયો છે અને સ્થિતિ પૂર્વવત બની રહી છે તેવા સંજોગોમાં વહીવટી તંત્ર દ્વારા પર્યટકોના આકર્ષણ રૂપ સૂર્યમંદિરને ફરીથી ખોલવાનો નિર્ણય કરાયો હતો. જેમાં બુધવારથી કોરોનાની ગાઈડલાઈન મુજબ સૂર્યમંદિર પરિસરને સેનેટાઈઝ કરીને તકેદારી અને પર્યટકોનો પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી હતી. પ્રથમ દિવસે મંદિરની કોતરણી માટે આવેા પ્રત્યેક પ્રવાસીને થર્મલ ગનથી શરીરનું તાપમાનની ચકાસણી કરીને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. નોંધપાત્ર છે કે મંદિરમાં પ્રવેશ માટે ઓફલાઈન અને ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે.

(5:15 pm IST)