Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કોરોના છતાં છેલ્લા સવા વર્ષથી સુરતના હિરા ઉદ્યોગમાં તેજીઃ યુરોપિયન દેશોમાં પોલિશ્‍ડ ડાયમંડમાંથી ઝવેરાતની સારી માંગ નીકળીઃ ખાણ કંપનીઓ ઉંચા ભાવ વસુલવા માંડી

સુરતઃ કોરોના છતાં છેલ્લા સવા વર્ષથી હીરા ઉદ્યોગમાં સારી તેજી જોવા મળી છે. યુરોપિયન દેશોમાં પોલિશ્ડ ડાયમંડમાંથી બનતા ઝવેરાતની સારી માંગ નીકળી છે. દરમિયાન કોરોનાને પગલે ગયા વર્ષે ખાણ કંપનીઓએ રફનું ઉત્પાદન ઘટાડી દીધું હતું. જે હજુ ઓછું જ છે. આમ પોલિશ્ડ ડાયમંડની વધતી માંગને પગલે બજારમાં રફની પણ માંગ છે. તેથી ખાણ કંપનીઓ હવે ઊંચા ભાવ વસૂલવા માંડી છે.

તમામ લક્ષણો હીરા ઉદ્યોગ માટે સારા

હીરાના વેપારી નિલેશ બોડકીએ જણાવ્યું હતું કે, આફ્રિકાના દેશો અને રશિયાની હીરાની ખાણમાં રફનું ઉત્પાદન 50 ટકા ઘટાડી દીધું છે. બીજી તરફ રફની અછતને લીધે સુરત અને મુંબઇના ડોમેસ્ટિક માર્કેટમાં રફની કિંમત પ્રીમિયમ પછી 15 ટકા વધી છે. તેની અસર એવી થઈ છે કે, પોલિશડ હિરાના ભાવમાં પણ 7 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

એન્ટઅર્પમાં પણ એક મહિના પછી હીરા બજાર શરૂ થયા છે. મોટાભાગે ઓનલાઇન વેપાર ચાલી રહ્યો છે. સુરત (Surat) ના વેપારીઓ પણ ટેન્ડર ભરી ઓનલાઇન માલ ખરીદે છે. રેપાપોર્ટમાં પણ પોલીસ ડાયમન્ડના ભાવમાં વધારો નોંધાયો છે. આ તમામ લક્ષણો હીરા ઉદ્યોગ માટે સારા છે.

યુરોપના દેશો અને ચીન, હોંગકોંગમાં સ્થિતિ સુધરતા તેજી જોવા મળી

અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં ડી-બીયર્સની 663 મિલિયન ડોલરની સાઈટ હતી. જેનો માલ વેચાયા વગર પડી રહ્યો હતો તેને પગલે ફેબ્રુઆરીમાં સાઈટનું કદ ઘટાડી 550 મિલિયન ડોલર અને માર્ચમાં 450 મિલિયન ડોલર કરવામાં આવ્યું હતું. મે મહિનાની સાઇટ સૌથી નાની એટલે 380 યુએસ મિલિયન ડોલરની હતી. તે દર્શાવે છે કે, મે મહિના સુધી હીરા ઉદ્યોગમાં નબળો વેપાર હતો. પરંતુ અચાનક જૂનના પ્રારંભમાં યુરોપના દેશો અને ચીન, હોંગકોંગમાં સ્થિતિ સુધરતા તેજી જોવા મળી હતી.

(4:37 pm IST)