Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

દ.ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલ

સુરત, નવસારી, તાપી જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદઃ ૨૪ કલાકમાં રાજયના ૯૩ તાલુકાઓમાં દોઢથી અઢી ઈંચ સુધી પાણી પડયું

રાજકોટઃ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સુરત ગ્રામ્યના ઓલપાડ, માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર તો ગ્રામ્યના કીમ, કોસંબા, પાલોદ, કઠોદરા, તરસાડી સહિતના વિસ્તારોમાં છુટા છવાયો તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.નવસારી જિલ્લામાં પણ વરસાદ પડયો છે. નવસારીના લુન્સીકુલ, ડેપો, જમાલપોર સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જો કે ખેડૂતો હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.જયારે તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ અને ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે. સવારથી વરસાદી માહોલ સર્જાયા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૯૩ તાલુકામાં વરસાદના આંકડા જોઈએ તો સૌથી વધારે આણંદમાં ૨.૫ ઈંચ, ખેડાના વસોમાં ૨.૪ ઈંચ, મહેસાણાના ઉંઝા, આંણદના સોજિત્રામાં ૨.૨ ઈંચ, ખેડાના મહુધા, નડિયાદમાં ૨.૧ ઈંચ, પાટણના સિધ્ધપુરમાં ૨ ઈંચ, ખેડાના કપડવંજ અને માતરમાં ૧.૮ ઈંચ, અમદાવાદ શહેરમાં ૧.૮ ઈંચ, ખેડા, મહેમદાવાદમાં ૧.૭ ઈંચ વરસાદ પડયો છે.

નવસારીથી સુરત જતાં હાઈવે પર ધોધમાર વરસાદ ચાલુ છે. હાઈવે પર વરસાદી માહોલનો આનંદ લોકો લઈ રહ્યા છે. સુરત, મહુવા, બારડોલી તાલુકામાં તેમજ કોસાડ અમરોલી વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો છે.

(4:12 pm IST)