Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ગુજરાતમાં એપ્રિલ-મે માં પ૩૧૪ લોકોના કોરોનાથી મોતઃ ૩ શહેરોનો મૃતાંક કુલ મોતના ૬૧ ટકા

અત્યાર સુધી રાજયમાં ૧૦૦૦૩ કુલ મૃત્યુઃ સૌથી વધુ મોત ૬૦ થી ૭૯ આયુ વર્ગમાં થયા

સુરત તા. ૧૭: કોરોનાની બીજી લહેરથી લગભગ ગુજરાત બહાર નિકળી ચુકયું છે. અન્ય રાજયોની જેમ ગુજરાતમાં પણ બીજી લહેર ઘાતક નિવડેલ. કોરોનાની ગુજરાતમાં એન્ટ્રી બાદ અત્યાર સુધીમાં ૧૦,૦૦૩ મોત થઇ ચૂકયા છે. જેમાંથી પ૩ ટકા મોત આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં થયા છે.

કુલ મૃત્યુ આંકમાંથી સુરતમાં ૧૯.૪૦ ટકા મોત થયા છે, જયારે અમદાવાદમાં ૩૩.૮૦ ટકા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. વડોદરામાં ૭.૯૦ ટકા લોકોના મોત થયા છે. એટલે કે આ ૩ શહેરોમાં રાજયના કુલ મોતમાંથી ૬૧ ટકા મોત થયા છે.

આંકડાઓના વિશ્લેષણ મુજબ સૌથી ઓછા મોત નર્મદા, ડાંગ, પોરબંદર અને તાપી જીલ્લામાં થયા છે. જયાં બીજી લહેરમાં ક્રમશ ૧પ, ૧૮, ૧૯ અને ર૦ લોકો મૃત્યુ પામેલ. ગુજરાત માટે એપ્રિલ-મે મહિનો ખુબજ ઘાતક રહેલ. આ દરમિયાન રાજયમાં પ૩૧૪ મોત થયેલ.

રાજયમાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકો ૬૦ થી ૭૯ વર્ષના રહેલ. આ વર્ગમાં મોતનું પ્રમાણ ૪૪.૧૦ ટકા, જયારે ૮૦ વર્ષથી વધુની ઉંમરના લોકોમાં મૃત્યુ દર પ.૪૦ ટકા રહેલ.

(1:17 pm IST)