Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

કેરળમાં હાથણી બાદ ઇડરમાં ગાય પર એસિડ એટેકની બર્બરતાપૂર્વકની ઘટનાથી અરેરાટી

ગૌરક્ષકોએ ગાયની સારવાર કરાવી ; પોલીસમાં નોંધાવી ફરિયાદ

અમદાવાદ: કેરળમાં હાથણીના મોંમાં તોફાની તત્વોએ ફટાકડા મુકી દેતા હાથણી અને તેના ગર્ભમાં રહેલા બચ્ચાના મોત બાદ સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ગાય પર એસિડ એટેકની ઘટનાથી ભારે અરેરાટી મચી ગઈ છે. ઈડરના લિભોઈ રોડ પર સાંઈ સ્ટોન માર્બલ ફેકટરી પાસે ગાય પર એસિડ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ ગૌ રક્ષકો સ્થળ પર દોડી આવ્યા હતા. ગાયની સારવાર કરાવ્યાં બાદ તેઓએ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય અને મંડપનો વ્યવસાય કરતા પ્રદીપ મુલચંદ ખરાદી ઈડરના ખરાદી બજાર ખાતે રહે છે. પ્રદીપભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ ઈડરના વતની પ્રવીણ રામી સવારે 7.30 વાગે તેઓની ખેતીની જમીન લિભોઈ રોડ પર આવેલી હોય ત્યાં જતા હતા. રસ્તામાં સાંઈ માર્બલ ફેકટરી પાસે પ્રવીણભાઈએ ગાયને દર્દથી કણસતી જોઈ હતી. ગાયના શરીર અને ગળા પર તોફાની તત્વોએ એસિડ જેવું જલદ પ્રવાહી છાંટયું હતું. જલ્દી પ્રવાહીને કારણે ગંભીર રીતે દાઝેલી ગાય દર્દથી તરફડી રહી હતી.  આ તમામ બનાવની જાણ તેઓએ પ્રદીપ ખરાદીને ફોન કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવ્યા હતા. ગાયને ઈડર પાંજરાપોળ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી.

સાબરકાંઠા એસપી ચૈતન્ય માંડલીકે જણાવ્યું હતું કે, ગાય પર તોફાની તત્વોએ જલદ પ્રવાહી છાટયું હોવાથી ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ગાયની સારવાર કરવામાં આવી હોવાથી તેની સ્થિતી સારી છે.

ઈડર પોલીસ સ્ટેશન પીઆઈ પી.એલ.વાઘેલાએ જણાવ્યું છે હતું કે, આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઘટના બની તે વિસ્તાર વિરાન છે પણ આજુબાજુમાં માનવ વસાહત આવેલી છે. આરોપી અંગે તપાસ કરી રહ્યા છીએ

(10:17 pm IST)