Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

એક જ પરિવારના દરેકને અલગ-અલગ એપોઈન્ટમેન્ટથી હાલાકી

પાસપોર્ટ કેન્દ્રનો અંધેર વહિવટ : આખા પરિવારે પાસપોર્ટ સેવા કેન્દ્ર ઉપર કલાકો સુધી દરેકના વારાની રાહ જોઇ કલાકો સુધી બેસી રહેવું પડે છે

અમદાવાદ, તા. ૧૭ : લગભગ બે મહિના સુધી બંધ રહેલા પાસપોર્ટ સહાયતા કેન્દ્ર હવે રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે.નોર્મલ પાસપોર્ટ માટેની એપોઇન્ટમેન્ટ આપવાની શરૂઆત થઈ ગઈ છે લોકોએ પાસપોર્ટ કઢાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે ત્યારે  હજુ પણ પાસપોર્ટ સહાયતા કેન્દ્રો ઉપર એક જ પરિવારના ચાર સભ્યો હોય તો તેમને એક જ સમયની એપોઇન્ટમેન્ટ આપવાના બદલે જુદા જુદા સમયની પોઇન્ટ આપવામાં આવી રહી છે. જેને કારણે પરિવારના સભ્યોને આખો દિવસ પાસપોર્ટ સહાયતા કેન્દ્રની બહાર બેસી રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. આ મુદ્દે વારંવાર રજૂઆત થઇ હોવા છતાં લોકગીત માં કોઈ નિર્ણય લેવાતો નથી જેને કારણે અરજદારો પરેશાન થઈ રહ્યા છે. કોરોનાની મહામારી ને કારણે અમદાવાદ સહિત દેશભરના પાસપોર્ટ સહાયતા કેન્દ્ર લગભગ બે મહિના સુધી બંધ રહ્યા હતા ત્યાર બાદ હવે ધીરે ધીરે પાસપોર્ટ સહાયતા કેન્દ્ર રાબેતા મુજબ કાર્યરત થઇ ગયા છે

             માત્ર તત્કાલ પાસપોર્ટ માટેની પ્રક્રિયા બંધ છે તે સિવાય તમામ કામગીરી પુનઃ શરૂ થઈ ગઈ છે. હવે જો કોઈ એક પરિવારના ત્રણ કે ચાર સભ્યો પાસપોર્ટ માટે એપ્લિકેશન કરે તો તેમને એક જ સમયની એપોઇન્ટમેન્ટ આપવાને બદલે જુદા જુદા સમયની એપોઇન્ટમેન્ટ  આપવામાં આવી રહી છે. જેને કારણે અમદાવાદ બહારથી જો કોઈ પરિવાર પાસપોર્ટ માટે આવ્યો હોય તો તેને આખો દિવસ પાસપોર્ટ સહાયતા કેન્દ્ર ની બહાર બેસી રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે કેમકે પરિવારના એક સભ્યને સવારે અગિયાર વાગ્યાની અપોઈન્ટમેન્ટ હોય તો બીજાને બપોરની અપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે ઘણીવાર અરજદારો તમામ સભ્યોને એક સાથે લઈ લેવા માટે રજૂઆત કરતા હોય છે પરંતુ પાસપોર્ટ સહાયતા કેન્દ્રના કર્મચારીઓ તેમને કાયદા બતાવી કલાકો સુધી બહાર ઊભા રાખે છે. જ્યારથી એક જ પરિવારના સભ્યોને જુદા જુદા સમયની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહી છે ત્યારથી જ આ બાબતનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અરજદારો ની તેવી માગણી છે કે પરિવારના સભ્યોને એક જ સમયની અપોઈન્ટમેન્ટ આપવામાં આવે તો એક જ સમય તેમનું પોતાનું કામ પૂરું થઈ જાય. વધુમાં એક એવી ફરિયાદ પણ સામે આવી રહી છે કે પાસપોર્ટ ઓફિસમાં અરજદારને ત્યારે જ એન્ટ્રી મળશે કે જો તેણે માસ્ક પહેરેલો હોય સેનેટાઈઝર સાથે હોય અને તેના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોય. હવે કેટલાક સીનીયર સીટીઝન અરજદારો પાસે સ્માર્ટફોન નહિ હોવાથી તેમને અન્ય કોઈ નો સ્માર્ટફોન માંગીને પાસપોર્ટ સહાયતા કેન્દ્ર  પર જવાની સ્થિતિનું નિર્માણ થયું છે.

(10:05 pm IST)