Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

રાજ્યભર માટે જૂન મહિનો જીવલેણ સાબિત થઇ શકે છે

કોરોનાથી ૫૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા : ગુજરાતમાં હજુ સુધી નોંધાયેલા કોરોના કેસોમાંથી ૩૨ ટકા કેસ માત્ર જૂનના પ્રથમ ૧૫ દિવસમાં જ સામે આવ્યા

ગાંધીનગર, તા. ૧૭ : વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસનો પ્રકોપ ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે લાગુ થયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અને ૧-જૂનથી લાગુ કરવામાં આવેલા અનલોક-૧ છતાં કોરોનાનું સંક્રમણ વકરતું જાય છે. ગુજરાત માટે જૂન મહિનો જીવલેણ બની રહ્યો હોય તેમ શરૂઆતના ૧૬ દિવસમાં જ ૫૦૦થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ગુજરાતમાં છેલ્લા ૭ દિવસથી દરરોજ સરેરાશ ૫૦૦થી વધુ નવા પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોમાંથી ૩૨ ટકા કેસ માત્ર જૂન મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં જ સામે આવ્યા છે. રાજ્યમાં સતત ચોથા દિવસે પણ કોરોના સંક્રમિતોની સંખ્યા ૫૦૦ને પાર પહોંચી ગઈ છે.

               આ સાથે જ રાજ્યમાં છેલ્લા ૧૬ દિવસમાં કોરોનાના ૭૮૩૪ પોઝિટિવ કેસો નોંધાયાછે. ઉલ્લેખનીય છે કે, જૂન મહિનાના પહેલા ૨ દિવસને બાદ કરતાં છેલ્લા ૧૪ દિવસમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૪૭૦ થી નીચે નથી આવ્યો. જ્યારે આજે રાજ્યમાં કોરોનાના ૫૨૪ નવા કેસો સામે આવ્યા છે. જે રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓનો સૌથી મોટો આંકડો છે. ગત ૩૦-મેથી ૧૬-મે સુધી છેલ્લા સતત ૧૮ દિવસથી રાજ્યમાં દરરોજ કોરોનાસંક્રમિતોની સંખ્યા ૪૦૦ને પાર જ સામે આવી છે. જણાવી દઈએ કે, આજે રાજ્યમાં નોંધાયેલા ૫૨૪ નવા કેસોમાં સૌથી વધુ ૩૩૨ સંક્રમિતો અમદાવાદમાંથી જ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૨૪૬૨૮ પર પહોંચી ચૂકી છે. આ સાથે જ રાજ્યમાં આજે વધુ ૨૪ લોકોના મરણ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે ૧૫૦૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

(9:47 pm IST)