Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ડબલ ગ્રેજ્યુએટ યૂટ્યૂબ પર ચોરીનાં વીડિયો જોઈ 40 ચોરીને અંજામ આપ્યો :અંતે છ મહિને ઝડપાયો

મોં પર માસ્ક,માથે ટોપી અને હાથ મોજા પહેરી ચોરી કરતા માસ્ટર ચોર પોલીસની પકડમાં આવ્યો

અમદાવાદઃ MSC યુવકે ઈવેન્ટ મેનેજમેન્ટના વેપારમાં સફળતા ન મળતા પૈસાની જરૂરિયાત પૂરી કરવા યુ ટ્યુબ પર ચોરીના વીડિયો જોઈને એકલા હાથે 40 ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર શહેરની પોલીસ મોં પર માસ્ક,માથે ટોપી અને હાથ મોજા પહેરી ચોરી કરતા માસ્ટર ચોરની શોધખોળમાં લાગી હતી. પોલીસને હફાવનાર આ ચોર આખરે છ મહિને ક્રાઈમ બ્રાન્ચના હાથમાં આવ્યો હતો.

શહેરનાં કહેવાતા પોશ વિસ્તારની દૂકાનો અને મકાનો ઉપરાંત પાટનગર ગાંધીનગરમાં દુકાનો અને મકાનોને આરોપીએ ટાર્ગેટ કરી હતી. પોલીસે ઠેર ઠેર CCTV ફૂટેજ ચેક કરી આરોપીના આવવા જવાના રસ્તાઓ શોધી ચોક્કસ પોઈન્ટ પર તેણે ઝડપી લેવા અનેકવાર વોચ ગોઠવી પણ સફળતા મળી ન હતી.

આ શાતીર ચોરને આખરે ક્રાઈમ બ્રાન્ચે આરટીઓ સર્કલ પાસેથી ચોરી કરવાના સાધનો, રોકડ રકમ,સોના-ચાંદીના સિક્કા સાથે ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં આ યુવકનું નામ અજિત અર્જુન પિલ્લાઈ (ઉ,36) છે. ચાંદખેડાના સહજાનંદ ફ્લોરામાં ભાડાના મકાનમાં પત્ની અને સાળી સાથે રહેતો અજીત મૂળ કેરળના કુર્લમ જીલ્લાના નલીલા ગામનો રહેવાસી છે.

અજિતની પૂછપરછમાં તેણે 2017 થી 2020નાં અત્યાર સુધીના સમયમાં 40 જેટલી ચોરીને એકલા હાથે અંજામ આપ્યો છે. જેમાં શહેરના સોલા, વસ્ત્રાપુર, ચાંદખેડા, ઘાટલોડિયા, સાબરમતી, આનંદનગર, નવરંગપુરા, નારણપુરા,સેટેલાઇટ અને ગાંધીનગરમાં ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે. આરોપી અગાઉ વડોદરા,નરોડા, કૃષ્ણનગર અને બાપુનગરમાં ચોરીના ગુનામાં પકડાયો છે.

(7:35 pm IST)