Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

અમદાવાદના જુહાપુરાના બિલ્ડર સજ્જુ ગોટીલાલની હત્યાનું ષડયંત્ર નિષ્ફ્ળ ક્રાઈમબ્રાન્ચે કુખ્યાત સમીર પેંદીના સાગરીત આમિર મામાને રિવોલ્વર સાથે ઝડપી લીધો

અમદાવાદ: જુહાપુરામાં લોકલ ગેંગ વચ્ચે ચાલતી દુશ્મનાવટ લોહિયાળ બને એ પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુહાપુરાના બિલ્ડર સજ્જુ ગોટીલાલની હત્યાની નિષ્ફળ બનાવી છે. ક્રાઈમબ્રાન્ચે કુખ્યાત સમીર પેંદીના સાગરીત આમિર મામાને રિવોલ્વર સાથે ઝડપી લીધો છે.

 પોલીસે નારોલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી અમીર ઉર્ફ આમીરમામા વજીરખાન પઠાણ (ઉ,37) રહે, અમ્માર રેસિડન્સી ફતેહવાડીને રિવોલ્વર અને 3 કારતુસ સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછમાં આ હથિયાર જુહાપુરાના કુખ્યાત સમીર પેંદી અને સુલતાને તેઓને આપ્યા હતા. હથિયાર તેઓ સજ્જુ ગોટીલાલને મારવા માટે લાવ્યા હતા. જોકે લોકડાઉન અને આ દરમિયાન સમીર પેદી પર કેસ થતાં બંને આ હથિયાર આમીર મામાને આપી આવ્યા હતા.

 જુહાપુરામાં સમીર પેંદીને કાલુ ગરદન, સજ્જુ ગોટીલાલ અને ઈકબાલ મીરઝા સાથે જમીનની લેવડ દેવડ મુદ્દે દુશ્મની ચાલી રહી છે. થોડા સમય પહેલા સમીર પેંદીએ સાગરીતો સાથે મળી કાળુ ગરદન ગેંગના યુવકને મારમારી વીડિયો બનાવ્યો હતો. જે મુદ્દે સમીર અને તેના સાગરીતોની ધરપકડ થઈ હતી. બાદમાં કાસુ ગરદને કેક કાપીને સમીરની ધરપકડ અંગે ખુશી મનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરસ કર્યો હતો.

આમીર મામા અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં આર્મ્સ એક્ટમાં તેમજ અસલાલી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન અને જુગારના ગુનામાં પકડાયો છે. પાસા હેઠળ પણ આરોપી જેલ જઈ આવ્યો છે. આરોપી વેજલપુરના ખંડણી અને મારામારીના ગુનામાં ફરાર હતો.

(6:45 pm IST)