Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

નડિયાદમાં યુવકનો અર્ધનગ્ન હાલતમાં વિડીયો વાયરલ થઇ જતા બદનામીના ડરથી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

નડિયાદ:શહેરના એક યુવકનો અર્ધનગ્ન હાલતમાં વિડિયો વાઈરલ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેથી યુવકને લાગી આવતા ફીનાઈલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ શહેરમાં રહેતા સુનિલે આશરે આઠ મહિના પહેલા તેના મિત્રનો એક વિડિયો ઉતાર્યો હતો. બનાવની વિગત જોતા સુનિલ અને તેનો મિત્ર અકાજીને નવરાત્રિના છેલ્લા નોરતે મોટરસાયકલ લઈ ચા પીવા લઈ ગયો હતો જ્યાં શહેરના ન્યુશોરોક ગ્રાઉન્ડ પાસે મોટરસાયકલ ઉભું રાખી પૈસાની માંગણી કરી હતી. જ્યારે યુવકે પૈસા ન હોવાનું જણાવ્યું હતું જેથી સુનીલ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગ્યો હતો અને અર્ધનગ્ન અવસ્થામાં  અકાજીનો વિડિયો ઉતારવામાં આવ્યો હતો. આ બાદ સુનિલ અકાજી પાસે અવારનવાર પૈસાની માંગણી કરતો હતો અને વિડિયો સોશિયલ મિડિયામાં વાઈરલ કરવાની ધમકી આપતો હતો. જો કે થોડા દિવસો બાદ વિડિયો વાઈરલ થયો હોવાની જાણ અકાજીને થતાં તેણે ફીનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની જાણ પરિવારજનોને થતાં તાત્કાલીક શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમની તબિયત સુધારા પર હોવાનું સ્થાનિક તબીબે જણાવ્યું છે. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:52 pm IST)