Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

આણંદ જિલ્લામાં ઉમરેઠ પોલીસે ગુપ્ત માહિતીના આધારે લીંગડા નજીકથી કારમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

આણંદ જિલ્લાની ઉમરેઠ પોલીસે ગઈકાલ રાત્રિના સુમારે મળેલ ગુપ્ત  બાતમીના આધારે લીંગડા ગામ નજીકથી એક વૈભવી કારમાં લઈ જવાતો વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૃના જથ્થા સાથે કુલ્લે રૃા.૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્શોને ઝડપી પાડી ફરાર થઈ ગયેલ અન્ય એક શખ્શને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉમરેઠ ગામની ઓડ ચોકડી નજીક પોલીસ પહોંચતા એક નંબરપ્લેટ વગરની એસ-ક્રોસ કાર ભાલેજ તરફથી લીંગડા તરફ વિદેશી દારૃનો જથ્થો ભરીને આવનાર હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ લીંગડા ગામ નજીક ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન ભાલેજ તરફથી બાતમીદારના વર્ણન મુજબની કાર આવી ચઢતાં પોલીસે કારને ઉભી રાખવા ઈશારો કર્યો હતો. જો કે કાર ચાલકે કારને પુર ઝડપે હંકારી મુકી હતી. જેથી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરીને લીંગડા બસ સ્ટેન્ડ નજીક કારને ઝડપી પાડી હતી. જો કે અંધારાનો લાભ લઈ કારમાંથી એક શખ્શ ખેતરાળ રસ્તે નાસી છુટયો હતો. જ્યારે ચાલક સહિત અન્ય એક શખ્શ પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે તેઓના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે રાજેન્દ્રસિંહ સરદારસિંહ રાણા (રહે.કણજરી, આઝાદ ચોક) તથા યાસીનખાન શરીફખાન મલેક (રહે.કણજરી, ઠુમ્મર તલાવડી) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત રૃા.૮૬ હજાર જેટલી થવા જાય છે. પોલીસે ઝડપાયેલ બંને શખ્શોની અંગજડતી લેતાં તેઓની પાસેથી રૃા.૧૨,૨૦૦ રોકડા મળી આવ્યા હતા. પોલીસે વિદેશી દારૃનો જથ્થો, મોબાઈલ ફોન તથા કાર મળી કુલ્લે રૃા.૫,૦૪,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરી નાસી છુટેલ શખ્શ અંગે પુછપરછ કરતા તે પોપટભાઈ રણછોડભાઈ જાદવ (રહે.ચકલાસી તાબે જાદવપુરા) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે વિદેશી દારૃના જથ્થા સહિતનો માલ જપ્ત કર્યો હતો.

(5:51 pm IST)