Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વડોદરામાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવવધારાનો હાઇ-વે ચક્કાજામ કરીને વિરોધઃ રસ્‍તા ઉપર ટાયરો સળગાવ્‍યા

વડોદરા: સરકાર દ્વારા વધારાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સામે આજે ગુજરાત કોંગ્રેસ જિલ્લા મથકોએ ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે તેવી જાહેરાત કરી હતી. ત્યારે આજે અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરાયા હતા. તો અનેક જિલ્લાઓમાં કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. ત્યારે વડોદરા જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરોએ દુમાડ ચોકડી પાસે હાઇવે પર ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાએ હાઇવે પર ટાયર સળગાવ્યા હતા. પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટની આ માટે અટકાયત કરી છે. વિરોધ દર્શાવવા માટે કોંગ્રેસ કાર્યકરો ટ્રક પર ચડ્યા હતા અને હાઇવેના વાહનોને રોક્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી.

મોંઘવારી સામે કોંગ્રેસે ગુજરાતભરમાં આંદોલન છેડ્યું છે. કાલાઘોડા સર્કલ પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. સયાજીગંજ ખાતે કરવામાં આવેલા કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા, પણ ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ ફોલો કરવામાં આવ્યું ન હતું. વિરોધ પ્રદર્શન કરી રહેલા કૉંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યાર પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

તો બીજી તરફ, વડોદરા જિલ્લા કોંગ્રેસનો આક્રમક વિરોધ જોવા મળ્યો હતો. દુમાડ ચોકડી પાસે વિરોધ પ્રદર્શન કરાયું હતું. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા કોંગ્રેસ આકરા પાણીએ આવી ગયું હતું. જેથી આજે અનેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરાયા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી છે.

(5:16 pm IST)