Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સુરતમાં વેસ્‍ટનો ઉપયોગનો બેસ્‍ટ વસ્‍તુ બનાવીને લાખો રૂપિયાની આવક મેળવવાનો રસ્‍તો સુરત ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિએ શોધી કાઢયો

સુરત: વેસ્ટનો ઉપયોગ કરી બેસ્ટ વસ્તુ બનાવી લાખો રૂપિયાની આવક મેળવવાનો કીમિયો સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ શોધી કાઢ્યો છે. અત્યાર સુધી દરરોજ એપીએમસી માર્કેટમાં 40 થી 50 ટન સુધી શાકભાજીનું વેસ્ટ ભેગું થતું હતું. જેને હટાવવા માટે લાખો રૂપિયા મહાનગર પાલિકાને આપવામાં આવતા હતા. આજ શાકભાજીનો ઉપયોગ કરી ગેસનું ઉત્પાદન અને ખાતર બનાવી કરોડો રૂપિયા કમાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે APMC ગુજરાત ગેસને બાયો સીએનજી ગેસ વેચી એપીએમસી લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.

સુરત સ્થિતિ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીમાં દરરોજ હજારો ટન શાકભાજી વેચાણ માટે આવે છે. સારું શાકભાજી તો વેચાય જાય છે, પરતું બગડેલા શાકભાજી અને શાકભાજીનો વેસ્ટ વેપારીઓ દ્વારા એપીએમસીમાં જ નાંખવામાં આવે છે. આમ અંદાજે 40 થી 50 ટન સુધી બગડેલા શાકભાજી અને શાકભાજીનો વેસ્ટ દરરોજ નીકળતો હોય છે. મહાનગર પાલિકા આ વેસ્ટ હટાવવા માટે એપીએમસી પાસે લાખો રૂપિયાનો સર્વિસ ચાર્જ વસુલ કરતી હતી. પરંતુ APMC સુરતને મિનીસ્ટ્રી ઓફ નેચરલ એન્ડ રીન્યુએબલ એનર્જી વિભાગ દ્વારા શાકભાજીના વેસ્ટમાંથી ગેસનું ઉત્પાદન કરી શકાય તેવા પ્રોજેક્ટ અંગે તેમને માહિતી મળી હતી.

આ વિશે એપીએમસીના ચેરમેન રમણ જાનીનું કહેવુ છે કે, સુરત એપીએમસીમાં દરરોજ 40 થી 50 ટન શાકભાજીનો વેસ્ટ નીકળતો હોવાથી અહીં પણ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. થોડા મહિનાઓ પહેલા જ તેનું ઉદ્દઘાટન પણ કરવામાં આવ્યું હતું. એપીએમસી દ્વારા આ ગેસને વેચવા માટે કરાર કરવામાં આવ્યો છે. એપીએમસી સાથે ગુજરાત ગેસ કંપનીએ કરાર કર્યો છે. દરરોજ એપીએમસી દ્વારા ઉત્પાદિત 5100 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર બાયો સીએનજી ગેસ ગુજરાત ગેસને વેચવામાં આવે છે. જેના બદલામાં આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણેનો ભાવ એપીએમસીને મળી રહ્યું છે. ગેસ ઉત્પાદિત કરી વેચાવાનારી સુરત એપીએમસી દેશની પ્રથમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે.

દરરોજ નીકળતા શાકભાજીના વેસ્ટનો આટલો સરસ ઉપયોગ કરી રૂપિયા કમાવવાનું આયોજન જરૂરથી દેશની અન્ય એપીએમસીઓ માટે દિશા આપનારું સાબિત થશે. અહીં મહત્વની વાત એ પણ છે કે એક તરફ શાકભાજીના વેસ્ટથી બાયો સીએનજી ઉત્પાદન કરી તેનું વેચાણ કરી એપીએમસી લાખો રૂપિયા કમાવી રહી છે, પરતું ગેસ ઉત્પાદન કર્યા બાદ જે વેસ્ટ વધ્યું છે તેનું ખાતર તરીકે વેચાણ પણ કરી રહી. જેમ ગેસ ઉત્પાદન કર્યા બાદ સોલિડ અને પ્રવાહી ઓર્ગેનિક ખાતર ખેડૂતોને APMC થકી મળી રહ્યો છે. આ ખાતર સસ્તા ભાવે ખેડૂતોને વેચવામાં આવી રહ્યો છે. આમ એપીએમસીને શાકભાજીના વેસ્ટથી આર્થિક ફાયદાઓ થશે અને ખર્ચ નહિવત છે તેવું એપીએમસીના ટેકનિકલ મેનેજર ગણેશે જણાવ્યું.

સુરત એપીએમસીમાંથી ઉત્પાદિત થતો બાયો સીએનજી ગેસ પાઈપલાઈન દ્વારા ગુજરાત ગેસ કંપની આપવામાં આવ્યું છે. આ ગેસ બાદમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ઘર વપરાશ અને કંપનીઓને વેચવામાં આવે છે. મહત્વનું એ છે કે, આ ગેસ ઉચ્ચ ક્વોલિટીનો છે.

(5:11 pm IST)