Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સ્કૂલોની ૬ મહિનાની ફી માફ કરવા વાલીઓની ઉગ્ર માંગ

અબજો રૂપિયાનો એજ્યુકેશન સેસ. ઉઘરાવતી સરકાર તેમાંથી માફીનો લાભ આપેઃ સરકાર સાથે બેઠકની માંગ : હાલ સરકારે ફી માફી અંગે કોઇ નિર્ણય કર્યો નહીં: હજુ વાલીઓ સાથે બેઠક કરી છે

ગાંધીનગર,તા.૧૭: કોવીડ-૧૯ની સ્થિતી અને લોકડાઉનમાં રોજગાર ઉપર ગંભીર અસર થઇ છે. ત્યારે ફી ઉઘરાવતી શાળઓ સામે દિનપ્રતિદિન રોષ વધી રહ્યો છે. વાલી મંડળે સરકાર સાથેની બેઠકમાં ૬ માસ સુધી ફી માફીની ઉગ્ર માંગ કરી છે.

સરકારે સ્કૂલ સંચાલકો અને વિવિધ સંઘો સાથે બેઠકો કર્યા બાદ આજે વાલી મંડળો સાથે બેઠક કરી હતી. ગાંધીનગરમાં મળેલી બેઠકમાં વાલી મંડળો દ્વારા ત્રણથી છ માસ સુધીની ફી માફ કરવા ઉગ્ર માંગ કરવામા આવી હતી. બેઠકમાં માંગણી કરાઇ હતી કે અબજો રૂપિયાનો એજયુકેશન સેસ (શિક્ષણ ઉપકર) ઉદ્યરાવતી સરકાર એમાંથીજ વિદ્યાર્થીઓને ફી માફીનો લાભ આપે. હાલ સરકાર દ્વારા ફી માફી મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી અને આગળ પણ હજુ વાલીઓ સાથે મીટિંગો થશે.

કોરોનાને પગલે લાગુ થયેલા નેશનલ લોકડાઉનમાં લોકોના રોજગાર-ધંધા બંધ રહેતા આર્થિક સંકડામણ વચ્ચે વાલીઓ માટે ફી ભરવી મુશ્કેલ છે ત્યારે રાજયભરમાં વાલીઓ તરફથી ફી માફીની વ્યાપક માંગ ઉઠી છે.

વાલીઓની ફરિયાદ છે કે સ્કૂલોમાં કલાસરૂમ એજયુકેશન થવાનું નથી અને સ્કૂલોને પરીક્ષા અને તેને સંલગ્ન ખર્ચ પણ બચ્ચો છે ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં સરકારે કોમન ગાઈડલાઈન તૈયાર કરી ત્રણથી છ માસની સામૂહિક ફી માફ કરાવવી જોઈએ. શિક્ષણમંત્રી સાથે રાજયના વિવિધ વાલી મંડળોના પ્રતિનિધિની ગાંધીનગર ખાતે બેઠક મળી હતી.

વાલી મંડળો તરફથી એવી પણ રજૂઆત કરાઈ હતી કે સરકાર દ્વારા જે દરેક પ્રોડ્કટ ઉપર એજયુકેશન સેસ ગુજરાતના દરેક વાલીઓ પાસેથી લેવાયો છે તે એજયુકેશન સેસમાંથી ૬ મહિનાની ફી માફી આપવામા આવે. સરકારને એવી પણ ફરિયાદ કરવામા આવી હતી કે એફઆરસીનો કાયદો છતાં પણ તેનો પુરતો અમલ થતો નથી અને સરકારનું વલણ સંચાલકો તરફથી વધુ છે.

ફીમુદ્દે શિક્ષણમંત્રીએ જણાવ્યું કે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. અમે તમામ જિલ્લામાંથી શિક્ષણવિદો તેમજ ડોકટરો,વેપારીઓ, વકીલો સહિતના જે પણ લોકો કે જેઓ ખરા અર્થમા વાલી પણ છે તેઓના નામ મંગાવ્યા છે અને તેઓ સાથે વર્ચ્યુલ મીટિંગ કરવામા આવશે અને તેઓના સૂચનો લેવામા આવશે. જયારે વાલી મંડળોનું કહેવુછે કે સરકાર દ્વારા ૨૦ કે ૨૧મીએ  ફરી મીટિંગ કરાશે.

(4:14 pm IST)