Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

કોરોનાની સ્થિતીમાં વિદ્યાર્થીઓને માસ ડ્રોપ આઉટ અન રીઝર્વ ફંડમાંથી શિક્ષકોને પગાર આપેઃ વાલી મંડળની રજુઆત

વાલી મંડળના સભ્યો-હોદ્દેદારોએ શિક્ષણમંત્રી સાથે બેઠક કરી સ્થિતીની સમીક્ષા કરી

અમદાવાદ,તા.૧૭:કોરોના વાયરસના કારણે રાજયમાં માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એવામાં કોરોના વાયરસના પગલે ઊભી થયેલી શિક્ષણની સ્થિતિ સહિતના મુદ્દે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાલી મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં વાલી મંડળે ચાલુ શૈક્ષણિક વર્ષને 'યૂનિક વર્ષ'જાહેર કરીને માસ ડ્રોપ આઉટ જાહેર કરવાની રજૂઆત કરી હતી. મતલબ કે, વિદ્યાર્થી હાલ જે ધોરણમાં છે તે જ ધોરણમાં આગામી વર્ષે ભણાવવામાં આવે. આ સિવાય રાજય સરકારે શિક્ષણ માટે રિઝર્વ રાખેલા ફંડમાંથી શિક્ષકોના પગાર કરવાની વાત પણ કરી હતી.

રાજયમાં શિક્ષણને લગતા વિવિધ મુદ્દાઓ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાલી મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ, વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિના પ્રમુખ ભાવિન વ્યાસ, બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હાજર રહ્યા હતા. વિવિધ ચર્ચા બાદ આગામી અઠવાડિયે પણ વધુ એક બેઠકનું આયોજન થયું હોવાની માહિતી મળી છે.

કોરોનાના પગલે રાજયમાં ૧૫ ઓગસ્ટ સુધી શાળાઓ બંધ રહેવાની જાહેરાત અગાઉ થઈ ગઈ છે. ત્યારે વાલી મંડળે રજૂઆત કરી કે, હાલની સ્થિતિને જોતાં દિવાળી સુધી સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૂ થાય તેવી સંભાવના ઓછી છે. તે પછી પણ સ્કૂલો કયારે શરૂ થશે તે હાલમાં કહી શકાય નહીં. આ સંજોગોમાં રાજય સરકાર આ વર્ષને યૂનિક વર્ષ જાહેર કરે. યૂનિક વર્ષમાં તમામ વિદ્યાર્થીઓને માસ ડ્રોપ આઉટ ગણીને આ શૈક્ષણિક વર્ષ પૂરતી શાળાઓ બંધ રાખવામાં આવે. નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થી હાલ જે ધોરણમાં છે તે જ ધોરણમાં ફરીથી અભ્યાસ કરાવવામાં આવે.

(3:28 pm IST)