Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સામે કોંગ્રેસ દ્વારા જિલ્લે-જિલ્લે વિરોધ પ્રદર્શન

રાજકોટ, તા. ૧૭ : પેટ્રોલ-ડિઝલમાં કમરતોડ ભાવ વધારા સામે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વિરોધ પ્રદર્શન કરીને આક્રોશ વ્યકત કરવામાં આવ્યો છે.

ભાજપ સરકાર દ્વારા કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો કરવામાં આવતા આ ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરવામાં આવી છે.

રાજય સરકારને રાજયમાં કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાની ચિંતા નથી, પણ રાજયની તિજોરી પર થયેલી અસરની ચિંતા વધારે છે. તેવો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે. અમિત ચાવડાએ ગુજરાત સરકાર સામે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, નીતિન પટેલ લોકડાઉનના કારણે રાજયની તિજોરી પર ભારે આર્થિક નુકશાન થયાનો દાવો કરે છે. તો સવાલ એ છે કે શું લોકડાઉન ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને નુકશાન થયું નથી ? તેમનું બજેટ ખોરવાયું નથી ? તેમનું આર્થિક ભારણ વધ્યું નથી ? સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને જે આર્થિક નુકસાન થયું તેનો અભ્યાસ કર્યો નથી ? લોકડાઉનના કારણે અનેક લોકોની નોકરીઓ છુટી ગઇ ધંધા રોજગાર ઠપ્પ થયા પણ એની ચિંતા સરકારે કરી નથી ?

કોંગ્રેસ કહ્યું કે, સરકારની આવક ઘટી તો તેનો ભાર પ્રજા પર કેમ. સરકારે નકલી ઉત્સવો અને જાહેર ખબર પાછળના ખર્ચ બંધ કરવો જોઇએ. મુખ્યમંત્રી માટે લેવાયેલુ ર૦૦ કરોડનું વિમાન કેમ રદ ન કરવું જોઇઅ એ સવાલ છે. ભાજપા સરકારની નીતિ છે કે લોકો પાસેથી રોકડા વસુલી રાહત માટે લોકોને બેંકમાં મોકલવાના આવે છે. રર વર્ષમાં કરોડની જમીન ઉદ્યોગપતિઓને મફતમાં આપી ત્યારે સરકારી તિજોરી પર અસર થઇ ન હતી. તેવો આક્ષેપ અમિતભાઇ ચાવડાએ કર્યો છે.

(3:27 pm IST)