Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

રાજયસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૃઃ ભાજપ-કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં

બન્ને પક્ષ આજે ધારાસભ્યોને આપશે ચૂંટણીલક્ષી માર્ગદર્શન

અમદાવાદ તા. ૧૭ :.. ગુજરાત રાજયસભાની ૪ બેઠકો માટે ૧૯ જૂને ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ચૂકયો છે.  બંને પક્ષોએ ચૂંટણીને લઇ કવાયત હાથ ધરી છે ત્યારે રાજયસભાની ચૂંટણીના મામલે ચૂંટણી પંચે પણ મહત્વનો નિર્ણય લીધો છે, જેના ભાગરૂપે બંને પક્ષના કેન્દ્રીય નિરીક્ષકો આજે ગુજરાત આવે તેવી શકયતા છે. અને ત્યારબાદ તેઓ ધારાસભ્યો સાથે બેઠક કરશે.

રાજયસભાની ચૂંટણી આડે હવે બે દિવસ બાકી છે ત્યારે રાજયસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા બે નિરીક્ષકોની નિમણુક કરાઇ છે. ભાજપ દ્વારા ભુપેન્દ્ર યાદવ અને આશિષ સેલરની કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિમણુક કરવામાં આવી છે. રાજયસભાની ચૂંટણી અંગે સાંજે પાંચ વાગ્યે ઉમીયાધામમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે.

ધારાસભ્યો સાથેની આજની બેઠકમાં ભુપેન્દ્ર યાદવ અને આશિષ સેલર ધારાસભ્યોને રાજયસભાની ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે. આજે રાષ્ટ્રીય કોંગ્રેસના ૩ નેતાઓ ગુજરાત આવશે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજે ગુજરાતની મુલાકાત લેશે. તેમની સાથે બી. કે. હરિપ્રસાદ અને રજની પાટીલ પણ ગુજરાત આવશે. તેઓ ધારાસભ્યો સાથે ચૂંટણી સંદર્ભે ચર્ચા કરશે. રાજયસભાની ચંૂટણી માટે ભાજપે ૩ અને કોંગ્રેસે ર ઉમેદવાર ઉતાર્યા છે. ભાજપના ર અને કોંગ્રેસના ૧ ઉમેદવારની જીત નકકી છે. આથી ભાજપ માટે ત્રીજી અને કોંગ્રેસ માટે બીજી બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ રહેશે.

ચૂંટણીને લઇ કોંગ્રેસના તમામ ધારાસભ્યને અમદાવાદ લવાયા છે, જયારે ભાજપના ધારાસભ્યોને ચૂંટણી સુધી ગાંધીનગરમાં રહેવા આદેશ કરાયો છે, જો કે મોટા ભાગના ધારાસભ્ય ગાંધીનગર આવી ચૂકયા છે.

(3:25 pm IST)