Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ગુજરાત યુનિવર્સીટીના બોયઝ હોસ્ટેલ કમ્પાઉન્ડમાં અફઘાની યુવકની ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

સોમલલીત કોલેજના BBAના વિદ્યાર્થીએ ઝાડ પર લટકી આત્મહત્યા કરી :કાબુલનો વતની ફકીરઝાદ ATKT આવતા એકઝામના તણાવમાં હતો

અમદાવાદઃઅફઘાનિસ્તાનના કાબુલના વતની 24 વર્ષીય યુવકે ગુજરાત યુનિવર્સીટી બોયઝ હોસ્ટેલના કમ્પાઉન્ડમાં આત્મહત્યા કરી લીધી. સોમલલિત કોલેજમાં BBA ના સેકન્ડ સેમસ્ટરમાં અભ્યાસ કરતા ફકીરઝાદ સેકિબ નામના આ યુવકે બુધવારે પરોઢે ઝાડ પર લટકી જીવન ટુંકાવી લીધુ હતું. સેકિબને એકઝામમાં ATKT આવી હતી. બીજી તરફ લોકડાઉનમાં પરીક્ષાના લેવાતા યુવક તણાવમાં હતો. પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

મૂળ અફઘાનિસ્તાનના કાબુલનો વતની 24 વર્ષીય યુવક ફકીરઝાદ સેકીબ શહેરની સોમલલીત કોલેજમાં BBA ના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો તેમજ પાલડી ખાતે પીજીમાં રહેતો હતો. છેલ્લા એક માસથી ફકીરઝાદ તેના મિત્રો સાથે વાંચવા માટે ગુજરાત યુનિવર્સીટીમાં એ બ્લોકની હોસ્ટેલમાં રોકાયો હતો. અહીં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ રહે છે. ફકીરઝાદ તેના મિત્રો સાથે પરીક્ષાની તૈયારીઓ કરતો અને હોસ્ટેલની કેન્ટીનમાં જમતો હતો. જો કે તેણે BBAના રિઝલ્ટમાં માં ATKT આવી હોવાથી તે તણાવમાં રહેતો હતો. આજે પરોઢે 4 વાગ્યે ફકીર તેના મિત્રો સાથે ઉઠ્યો હતો. તમામ લોકો તૈયાર થયા હતા. ફકીરઝાદએ નમાઝ પઢયા બાદ કોઈ સાથે ફોન પર વાત કરી હતી.ત્યાર બાદ તે અચાનક હોસ્ટેલના કમ્પાઉન્ડમાં ગયો અને બાદમાં ઝાડ સાથે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સવારે 6.30 વાગ્યે હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓનું ધ્યાન જતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતક ફકીરઝાદનો મોબાઈલ ફોન જમા લઈ તપાસ હાથ ધરી છે. FSLના અધિકારીઓએ સ્થળ પર જઈ કેસ આત્મહત્યાનો છે કે નહીં તેની તપાસ કરી હતી. અધિકારીઓએ ફકીરઝાદ એ આત્મહત્યા કર્યાનો પ્રાથમિક તપાસમાં પોલીસને જણાવ્યું છે. ગુજરાત યુનિવર્સીટી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

(2:38 pm IST)