Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

લાંચની માંગણી કરે તો પણ સકંજામાં લેવાનું અભિયાન સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યું

બે વર્ષ અગાઉની ઘટનામાં પુરાવાઓ મળતા ભાણવડના નાયબ મામલતદાર સામે હિમાંશુ દોશી ટીમ દ્વારા કાર્યવાહીઃ એસીબી વડા કેશવકુમારના અભિયાનની હેટ્રીકઃ વિવિધ સરકારી તંત્રમાં સન્નાટો

રાજકોટ, તા., ૧૬: 'લાંચ' લેતા પકડાઇ તો જ ગુન્હો બને એવી ભ્રામક માન્યતામાં રાચતા શખ્સોની માન્યતા ભાંગીને ભૂકકો થઇ જાય તેવી આજ સુધી ભાગ્યેજ થયેલી કાર્યવાહીનું અભિયાન હવે આગળ વધી રહયું છે અને આજ પ્રકારની કાર્યવાહી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા સુધી પહોંચી છે.

એસીબી વડા કેશવકુમારના આદેશથી ભાણવડ પંથકના નાયબ મામલતદાર મજીદભાઇ બ્લોચ સામે તા. ૬-૧-ર૦૧૮નો ગુન્હો બે વર્ષ બાદ જાહેર થતા તેમની સામે લાંચની માંગણી અંગેનો ગુન્હો રાજકોટ શહેરના મદદનીશ એસીબી નિયામક હિમાંશુ દોશીના સુપરવીઝન હેઠળ સરકાર તરફે ગુન્હો દાખલ કરી આગળની તપાસ એસીબી પીઆઇ એમ.એમ.સરવૈયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

અત્રે યાદ રહે કે આ કામના ફરીયાદી જન્મ પ્રમાણપત્રની ખરાઇ કરાવવા માટે આરોપીની ઓફીસે ગયેલ તે સમયે આરોપીએ કામ પેટે પ્રથમ પ૦૦૦ અને ત્યારબાદ રૂ.૧પ૦૦ આપવાનું જણાવી ત્યારબાદ રૂ. ૧૦૦૦ ની માંગણી થઇ હોવાના આરોપસરની ફરીયાદ કરી હતી. ઉકત ફરીયાદના આધારે ઓડીયો-વિડીયો પુરાવા સાથે પ્રાથમીક તપાસમાં અરજદારની માંગણીમાં તથ્ય જણાતા કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અગાઉ સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના તલાટી કમ મંત્રી મોહમદ મિર્ઝા દ્વારા તા.ર૯ એપ્રિલ-ર૦૧૭ થી તા.૨૪ મે ૨૦૧૭ના સમયગાળા દરમિયાન જમીન કામ સંદર્ભે  ફરીયાદી પાસેથી ૫૦ હજારની લાંચ જે તે સમયે માંગી હતી.  ફરીયાદીની ફરીયાદ સંદર્ભે એસીબીના મદદનીશ નિયામક એન.પી.ગોહીલના સુપરવીઝન હેઠળ છટકુ ગોઠવવામાં આવ્યું હતંુ.

 ગમે તે બન્યું આરોપીને જાણે છટકાની  ગંધ આવી ગઇ હોય તેમ લાંચની માંગણી કર્યા બાદ લાંચ સ્વીકારી ન હતી.

સુરત એસીબીના પીઆઇ એસ.એન.દેસાઇની પ્રાથમીક તપાસમાં લાંચની માંગણી કર્યાનું બહાર આવતા એસીબી હેડ કવાર્ટરને રીપોર્ટ કરેલ. જે રીપોર્ટ અંતર્ગત એસીબી વડા કેશવકુમારના આદેશથી લાંચની માંગણી સંદર્ભેનો ગુન્હો દાખલ કરવા આદેશ અપાતા તપાસનીસ અધિકારીએ સરકાર તરફે ફરીયાદી બની ગુન્હો દાખલ કરાવ્યો હતો. આ અગાઉ અમદાવાદમાં પણ લાંચ માંગણીનો ગુન્હો દાખલ થયો હતો. આમ નવા અભિયાન અંતર્ગત આ ત્રીજી ઘટના હોવાની બાબતને એસીબી વડા કેશવકુમારે સમર્થન આપ્યું છે.

(12:55 pm IST)