Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

માસ્કના જાહેરનામાનો કડક અમલ કરાવવા તાકીદના આદેશો છૂટયા

સવારે ૯ વાગ્યા સુધીમાં રોજેરોજની કાર્યવાહીના રીપોર્ટ ગાંધીનગર મોકલવા લો એન્ડ ઓર્ડરના વડા દ્વારા સૂચના : રાજયના તમામ પોલીસ કમિશ્નરો અને એસપીઓએ નિયત ફોર્મમાં ગાંધીનગર વિગત મોકલવી ફરજીયાતઃ લોકોને 'દંડીત' કરવાનો નહિં, જાગૃત કરવાનો શુભ હેતુ છેઃ નરસિંમ્હા કોમાર સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૧૭: કોવીડ-૧૯ના સંક્રમણમાં તમામ પ્રકારની સાવચેતી છતા સતત વધારો થઇ રહયો હોવાથી લોકો સ્વૈચ્છિક રીતે જ જાગૃત રહી માસ્ક પહેરે અને જાહેરમાં થુંકે નહિં, તે માટે મ્યુનીસીપલ કોર્પોરેશન હસ્તકની કાર્યવાહી પોલીસને સુપ્રત થયા બાદ આ જાહેરનામાનો ગુજરાતના શહેર જીલ્લાઓમાં ચુસ્તપણે અમલ થાય તે માટે રાજયના લો એન્ડ ઓર્ડરના વડા નરસિંમ્હા કોમાર દ્વારા પોલીસ તરફથી થતી રોજેરોજની કાર્યવાહીનો રીપોર્ટ ગાંધીનગર મોકલવા તાકીદના આદેશ તમામ પોલીસ કમિશ્નરો અને તમામ જીલ્લા પોલીસ વડાઓને થયાનું બહાર આવ્યું છે.

લો એન્ડ ઓર્ડરના વડા દ્વારા તમામ માહિતી નિયત નમુના મુજબ જ મળે તે માટે ખાસ ફોરમેટ પણ તૈયાર કરીને સાથે રાખવામાં આવ્યું છે. દરરોજ સવારે ૯ સુધીમાં અપટુડેટ માહિતી ઇ-મેઇલ દ્વારા મળી જાય તેવો આદેશ પણ અપાયો છે.

ઉકત બાબતે લો એન્ડ ઓર્ડરના વડા નરસિંમ્હા કોમારનો સંપર્ક સાધતા અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે કોરોના વાયરસની સ્થિતિમાં રાજય સરકાર અને કેન્દ્ર દ્વારા તમામ પગલાઓ લેવાઇ રહયા છે. જાહેરનામાનો કડક અમલ કરાવવાનો હેતુ લોકોને દંડીત કરવાનો નહિં, લોકોને આ મહામારી સામે જાગૃત કરી પોતાનો અને પોતાના પરિવાર સહિત અન્યોને સંક્રમણથી ઉગારવાનો શુભ હેતુ છે. લોકો પણ હવે જાગૃત બની માસ્ક વગર બહાર ન નીકળે અને જાહેરમાં થુંકે નહિં, તે માટે પણ તેઓએ અપીલ કરી છે.

(12:54 pm IST)