Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સગીર બાળાઓના બળાત્કારના આરોપીઓ કોઇ સંજોગોમાં છટકી ન શકે તેવી રણનીતિ ઘડાઇ

આવી ઘટનામાં હવે પંચો તરીકે સરકારી કર્મચારીઓ રખાશેઃ સ્પેશ્યલ પી.પી.-ખાસ અદાલતોની જોગવાઇ સહિતના અનેક પગલાઓની જાહેરાત : રાજયભરના પોલીસ કમિશ્નરો અને જીલ્લા પોલીસ વડાઓને સીઆઇડી ક્રાઇમ દ્વારા સ્પેશ્યલ એડવાઇઝરી મોકલી અપાઇ

રાજકોટ, તા., ૧૭: રાજયમાં સગીર બાળાઓ ઉપર બળાત્કાર જેવી વધતી જતી ઘટનાઓ સામે રાજય સરકાર દ્વારા આકરૂ વલણ અપનાવી, આવા આરોપીઓ કોઇ પણ સંજોગોમાં મુકત ન થાય તેવી કાર્યવાહીના ભાગરૂપે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાનવાળી  કમીટીમાં નક્કી થયેલ રણનીતિ મુજબ કાર્યવાહી કરવા અંગેની એડવાઇઝરી સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝના અધિક પોલીસ મહાનિર્દેશક દ્વારા જાહેર કરી તેનો ચુસ્તતાથી અમલ કરવા રાજયના તમામ પોલીસ કમિશ્નરો અને જીલ્લા પોલીસ વડાઓને  મોકલવામાં આવ્યાનું ટોચના સૂત્રોએ અકિલાને જણાવ્યુ છે.

આવા કિસ્સાઓમાં પંચો અદાલતમાં છેવટ સુધી મક્કમ રહે તે માટે પંચ સાહેદ તરીકે સરકારી કર્મચારીઓને લેવા પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. વિશેષમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા જાહેર થયેલી એડવાઇઝરીમાં આવા બનાવોની તપાસ ઝડપથી પુર્ણ કરવી, એફએસએલ રીપોર્ટ તાત્કાલીક મેળવવા, નિયત સમય મર્યાદામાં ચાર્જશીટ ફાઇલ કરવા, જરૂરીયાત જણાયે  પેરવી ઓફીસરોની નિમણુંક, સંબંધીત અધિકારીઓના અભિપ્રાય મેળવી સ્પેશ્યલ  પી.પી.ની નિમણુંક કરવી.

સૂત્રોના વિશેષમાં જણાવ્યા મુજબ ઉકત એડવાઇઝરીમાં જરૂર જણાયે સ્પેશ્યલ અને ખાસ કોર્ટની રચના કરી તેમાં કેસ ચલાવવો.  આનો હેતુ એવો છે કે આરોપીને કાયદાની છટકબારીઓનો કોઇ પણ પ્રકારે લાભ ન મળે આમ રાજય સરકારના સંવેદનશીલ વલણનો અમલ સીઆઇડી ક્રાઇમ દ્વારા ચુસ્તતાપૂર્વક કરાવવાનો દ્રઢ નિશ્ચય કરાયો છે.

(12:53 pm IST)