Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સંશોધનમાં ખુલાસો

અમદાવાદને ૨૦ પ્રકારના કોરોના વાયરસે ભરડો લીધો છેઃ સ્વરૂપ ખતરનાક છે

નવી દિલ્હી, તા.૧૭: ગુજરાતમાં કોરોનાના કુલ કેસ પૈકી ૭૦ ટકા કેસ એકલા અમદાવાદ જિલ્લામાં છે અને કોવિડ-૧૯દ્મક થયેલા કુલ મોત પૈકી ૮૦ ટકા અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આ ગંભીર સ્થિતિ પાછળ જવાબદાર કોરોનાના કુલ ૨૦ જેટલા જુદા જુદા પ્રકાર હોવાનું સામે આવ્યું છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) દ્વારા કરવામાં આવેલ એનાલિસિસમાં સામે આવ્યું કે અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ અલગ અલગ કોરોના વાયરસના પ્રકાર મળી આવ્યા છે.

રાજય સરકાર દ્વારા ફંડ મેળવતી આ સંસ્થા દ્વારા ગુજરાતના ૨૧ જેટલા શહેરો અને ગામમાંથી ૨૨૭ જેટલા વાયરસના સેમ્પલ ભેગા કરવામાં આવ્યા હતા. સંશોધકોએ આ વાયરસના સ્ટ્રેઇને વુહાનમાં મળી આવેલ કોરોના વાયરસના મૂળ પ્રકાર સાથે સરખાવ્યો હતો. ત્યારે જોવા મળ્યું કે આ વાયરસે જુદા જુદા પ્રદેશ અને સમય અનુસાર પોતાનામાં કેટલાક ફેરફાર કર્યા છે. આ પહેલા એવું સામે આવ્યું હતું કે માણસમાં આવેલો કોરોના વાયરસ દર મહિને ૨ વાર પોતાનામાં ફેરફાર કરી રહ્યો છે અને સ્થાનિક આબોહવા અને તેને ધારણ કરનાર હોસ્ટ મુજબ ફેરફાર કરીને મ્યુટન્ટ બની રહેલો આ વાયરસ વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે.

GBRCના અધિકારીઓએ કહ્યું કે આ ફેરફારથી વાયરસ તો મૂળભૂત રીતે જે રહે છે. પરંતુ જુદા જુદા પ્રદેશો પ્રમાણે તેનામાં થોડા ફેરફાર જોવા મલે છે. હાલ ગુજરાતમાં ત્રણ મુખ્ય પ્રકાર જોવા મળી રહ્યા છે. જે પૈકી જે સૌથી વધુ ખતરનાક છે તે પ્રકાર અમદાવાદ જિલ્લામાં જોવા મળી રહ્યો છે. જયારે વડોદરા અને સુરત જેવા શહેરો જયાં પણ બે-ત્રણ પ્રકારના વાયરસ મળી આવ્યા છે પરંત ત્યાં મુખ્યત્વે મૂળભૂત સ્વરુપે વાયરસ મળી આવ્યો છે. પરંતુ અમદાવાદ જિલ્લામાં ગુજરાતમાં મળતા તમામ પ્રકારના કોરોના વાયરસ મળી આવે છે. કુલ સેમ્પલના ૫૧ ટકા સેમ્પલ અમદાવાદ જિલ્લામાંથી લેવામાં આવ્યા હતા.

GBRCના ડિરેકટર પ્રો. ચૈતન્ય જોશીએ ગત મે મહિનામાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં મળી આવેલા વાયરસમાં ૮૫ ટકા જેટલું મ્યુટેશન જોવા મળી રહ્યુ છે. રસીને વિકસિત કરવા માટે આ મ્યુટેશન બાદ તૈયાર થયેલા વધુ ખતરનાક વાયરસને ઓળખવો ખૂબ જ જરુરી છે. આ અભ્યાસના મહત્વને જોતા મોટા શહેરો જ નહીં નાના ગામડાઓમાંથી પણ મળી આવેલા વાયરસના સેમ્પલને ભેગા કરવામાં આવ્યા છે. આ જુદા જુદા પ્રકાર દ્વારા કોરોના મહામારીને સમજવામાં અને તેના ફેલાવાને સમજવામાં ખૂબ જ મદદ મળશે.

(11:41 am IST)